Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

કચ્છના સફેદ રણ, ભુજોડી સહિતના પ્રવાસન સ્થળે પ્રવાસીઓના ટ્રેસ ટેસ્ટિંગ : ઓમિક્રોન સામે તંત્ર સજ્જ

શંકાસ્પદ દર્દીઓની સારવાર માટે અલગ વ્યવસ્થા : વિદેશી નાગરિકોનિ ટ્રેક કરી તપાસ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૮ :  કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઇને રાજય સરકારની માર્ગદર્શિકા મુજબ કચ્છ જિલ્લાનું વહીવટી તંત્ર પણ સાવચેતી સાથે જરૂરી નિયંત્રણ અને કાર્યવાહી કરવા માટે સજ્જ થયું છે. કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. કલેકટર કચેરી ખાતે આરોગ્ય તંત્રના અધિકારીઓ – નોડલ ઓફિસરો સાથે આ બાબતે સમીક્ષા બેઠક કરી હતી.

કોરોના નવા વેરિયન્ટના શંકાસ્પદ દર્દીઓને જી.કે.જનરલ હોસ્પિટલમાં અલગ વ્યવસ્થા કરવા તેમજ ટેસ્ટીંગ – ટ્રીટમેન્ટ અંગેની પ્રોટોકોલ મુજબ કામગીરી કરવા તેમજ લોકો દ્વારા પણ સાવચેતી રાખવામાં આવે, માસ્ક પહેરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં કલેકટરશ્રી દ્વારા આરોગ્ય વિભાગને વિદેશથી આવતા લોકોને ટ્રેક કરી હોમ કવોરન્ટાઇન કરીને નિયમિત ધોરણે તેમની મુલાકત લઇ માહિતગાર થવા સુચના આપવામાં આવી હતી તેમજ વહીવટીતંત્રના અધિકારીઓને પણ આવા ટ્રેસ કરાયેલા તેમજ કવોરન્ટાઇન થયેલા લોકો પર દેખરાખ રાખવા સુચના આપી હતી. આવા ટ્રેસ કરાયેલા અને હોમ કવોરન્ટાઇન લોકોની યાદી પોલીસ વિભાગ પાસે પણ રહેશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ ઉપરાંત કચ્છના આંતરરાજય એરપોર્ટ તેમજ રેલ્વે સ્ટેશનો અને ટેન્ટસિટી તેમજ ભુજોડી ખાતે આવતા મુલાકાતીઓ માટે ટેસ્ટીંગ તેમજ ટ્રેસીંગના વ્યવસ્થા ઉભી કરવા જિલ્લા આરોગ્ય તંત્રને સુચના આપી હતી.

આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. માઢકે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી પુર્વ તૈયારીનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે કોરોનાના આ નવા સ્ટ્રેઇનને ટક્કર આપવા અત્યારે પ્રાથમિક ધોરણે તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. બેડ, વેન્ટિલેટર તેમજ ઓકિસજનની જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, અધિક નિવાસી કલેકટરશ્રી હનુમંતસિંહ જાડેજા, સી.ડી.એમ.ઓ.શ્રી ડો.કશ્યપ બુચ, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી બી.એમ.પ્રજાપતિ., ડિઝાસ્ટર મામલતદારશ્રી નિરવ બ્રહ્મભટ્ટ તેમજ આરોગ્ય અને વહીવટી તંત્રમાં અન્ય અધિકારી-કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. (

(9:57 am IST)