Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

બેંકના કલાર્કે નકલી સહીથી ૧.૯૨ કરોડ ઊપાડી લીધા

કલાર્કે ફિક્સ્ટ ડિપોઝિટ સમય પહેલા જ ઉપાડી લીધી : પોલીસે ક્લાર્ક પ્રકાશ નકુમ સામે છેતરપિંડી, બનાવટી અને અન્ય વિવિધ કલમો હેઠળ ગુનો નોધવામાં આવ્યો

રાજકોટ, તા.૭ : મોરબીમાં રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડના એક ક્લાર્ક સામે બેંકના ગ્રાહકોની નકલી સહીઓ અને એકાઉન્ટના ચોપડામાં ખોટી એન્ટ્રી કરીને બેંકના ખાતામાંથી રૂ. ૧.૯૨ કરોડ ઉપાડી લેવા બદલ ગુનો નોંધાયો છે. કલાર્કે ખાતાધારકોની ફિક્સ્ટ ડિપોઝિટ સમય પહેલા જ ઉપાડી લીધી બેંકની મોરબી શાખાના ડેપ્યુટી મેનેજર ધર્મેશ મોરેની ફરિયાદના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે ક્લાર્ક પ્રકાશ નકુમ સામે છેતરપિંડી, બનાવટી અને ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની અન્ય વિવિધ કલમો માટે ગુનો નોંધ્યો છે. ફરિયાદ મુજબ, ૨૦૧૯થી ૨૦૨૧ની વચ્ચે નકુમે ખાતાધારકોની તેમની જાણ વગર તેમની ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) સમય પહેલા ઉપાડી લીધી હતી. બેંકના બ્રાન્ચ મેનેજરે ફરિયાદમાં જણાવ્યું કે, નકુમે ૫૯ એફડીઉપાડી લીધી ફરિયાદમાં મોરે આક્ષેપ કર્યો હતો કે નકુમે ખાતાધારકોની નકલી સહીઓ કરીને અને બેંક સોફ્ટવેરમાં ખોટી એન્ટ્રી કરીને રૂ. ૧.૯૨ કરોડની ૫૯ એફડીઅકાળે ઉપાડી લીધી હતી. નકુમે નેટ બેંકિંગ દ્વારા બેંકમાંથી પૈસા તેના જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર પણ કર્યા હતા.

      એક ખાતાધારકે એફડીનો ક્લેમ કરવા માટે બેંકનો સંપર્ક કરતા ભાંડો ફૂટ્યો આ છેતરપિંડી આ વર્ષે જુલાઈમાં પ્રકાશમાં આવી હતી જ્યારે એક એફડી ધારકે તેની ફિક્સ ડિપોઝિટનો ક્લેમ કરવા માટે બેંકનો સંપર્ક કર્યો હતો અને જાણવા મળ્યું હતું કે રકમ પહેલેથી જ ઉપાડવામાં આવી છે. બેંકે તપાસ શરૂ કરતા તેઓ નકુમ સુધી પહોંચી ગયા. પોલીસે જણાવ્યું કે, રવિવારે રાત્રે બેંક અધિકારીએ ઔપચારિક રીતે નકુમ સામે છેતરપિંડી, બનાવટી ફરિયાદ નોંધાવી હતી, જે હજી ફરાર હોવાનું જાણવા મળ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.

(9:21 pm IST)