Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

જેતપુરના અમરાપરમાં દરગાહની આડમાં ધતીંગલીલા ચલાવતા મુંજાવરનો વિજ્ઞાન જાથાએ કર્યો ભાંડાફોડ

ઇકબાલ પાણખાણીયા અને સાગરીતો દિલીપસિંહ તથા ભાવેશે ભુલનો સ્વીકાર કરી હવેથી કોઇને નહીં છેતરવાનું કબુલાત નામુ આપ્યુ : પોલીસના સહયોગથી જાથા દ્વારા ૧૧૫૮ મો સફળ પર્દાફાશ

રાજકોટ તા. ૮ : જેતપુર તાલુકાના અમરાપર ગામની સીમમાં દરગાહની આડમાં કોઇ મુંજાવર દ્વારા દોરા ધાગા જેવી પ્રવૃત્તિઓ કરી લોકોને છેતરવામાં આવી રહ્યાની રાવ ભારત જન વિજ્ઞાન જાથાની કચેરીને રાજકોટ ખાતે મળતા તુરંત જ ઓપરેશન હાથ ધરાયુ હતુ.

જાથાના રાજયના ચેરમેન એડવોકેટ જયંત પંડયાના જણાવ્યા મુજબ જેતપુરની જાથાની ટીમના રમેશ પરમાર, ભાનુબેન ગોહીલને સ્થળ તપાસમાં મોકલાતા ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી.  છેલ્લા ચાર પાંચ માસથી મુંજાવર ઇકબાલ મહમદ પાણખાણીયા મેમણ તેમના સાગ્રીતો દિલીપસિંહ દરબાર, પીઠડીયાનો ભાવેશ ચાવડાને સાથે રાખી દર ગુરૂવાર અને શુક્રવારે બપોરે ર વાગ્યાથી મોડી રાત સુધી જોવાનું અને લોકોના દુઃખ દર્દ મટાડવા દોરા ધાગા કરી રૂપિયા ખંખેરતા હોવાનું માલુમ પડયુ હતુ.

જાથાની ટીમે હંમેશની જેમ પોલીસનો સહયોગ લઇ ૧૧૫૮ મા સફળ પર્દાફાશની તૈયારી કરી અને સાચે જ ઓપરેશન પાર પાડયુ હતુ.

જેતપુર ડીવાયએસપી શ્રી ભરવાડ, તાલુકા પોલીસ સ્ટેશનના શ્રી બાંટવાએ બંદોબસ્ત ફાળવતા દીનેશ હુંબલ, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, વિનુભાઇ ઉપાધ્યાય, રોમિત રાજદેવ, જેતપુરના રમેશ પરમાર, તેમજ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ પી. જે. બાંટવા, એ.એસ.આઇ. પરબતભાઇ કરશનભાઇ, હેડ કોન્સ્ટેબલ જીવરાજભાઇ વિસામણભાઇ, પકોન્સ્ટેબલ મિલન ભાયસીંગભાઇ, નિલેશ દેવરાખીભાઇ, ભીખુભાઇ મુળુભાઇ સહીતનો સ્ટાફ ત્રાટકયો હતો.

પરિસ્થિતી જાણી જતા જ મુંજાવર ઇકબાલ અને તેના સાગ્રીતોએ ભુલનો સ્વીકાર કરી લીધો હતો. રીક્ષાનો ધંધો બરાબર નહીં ચાલતા આ બુધ શરૂ કર્યાનું જણાવ્યુ હતુ. પરંતુ હવેથી લોકોને છેતરવાનું બંધ કરવાનું કબુલાત નામુ આપતા જાથા દ્વારા ફરીયાદ દાખલ કરવાનું ટાળવામાં આવ્યુ હતુ.

વિવિધ તસ્વીરોમાં ભુલ કબુલાતના બોર્ડ સાથે મુંજાવર ઇકબાલ મેમણ તેમના સાગ્રીતો દિલીપસિંહ તથા ભાવેશ તેમજ બનાવ સ્થળ અને છેલ્લી તસ્વીરમાં કડક મીજાજ બતાવતા પોલીસ અધિકારીઓ નજરે પડે છે.

રાજયભરમાં કયાંય પણ દોરા ધાગા કે ધતીંગને લગતા કામ થતા હોય તો વિજ્ઞાન જાથાના કાર્યાલય મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર જાણ કરવા એડવોકેટ જયંત પંડયાની યાદીમાં જણાવાયુ છે.

(3:52 pm IST)