Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

પડધરીમાં સ્કૂટરની ડેકીમાંથી ૫૫ હજારની ઉઠાંતરી કરનાર મહિલા સહિત ૩ પકડાયા

પડધરીના પીએસઆઈ વાઢીયા તથા તેની ટીમે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ્યો

રાજકોટ, તા. ૮ :. પડધરીની મેઈન બજારમાં નાના ખીજડીયાના સતવારા વૃદ્ધના સ્કૂટરની ડેકીમાંથી રૂ. ૫૫ હજારની ઉઠાંતરી કરનાર એમપીની એક મહિલા સહિત ૩ શખ્સોને પડધરી પોલીસે ગણતરીની કલાકોમાં સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ પડધરીના નાના ખીજડીયા ગામમાં રહેતા દેવરાજભાઈ ગોવિંદભાઈ કણઝારીયા (ઉ.વ. ૬૨) નામના સતવારા વૃદ્ધ ગઈકાલે પોતાનું મોટર સાયકલ લઈને પડધરી મેઈન બજારમાં આવેલી નાગરીક બેંકમાથી રૂ. ૨૫૦૦૦ તથા બેંક ઓફ બરોડામાથી રૂ. ૩૦,૦૦૦ મળી રૂ. ૫૫૦૦૦ ઉપાડીને એક કપડાની થેલીમાં રાખી થેલી મોટર સાયકલની ડેકીમાં રાખી હતી. ત્યાર બાદ સતવારા વૃદ્ધ બાઈક પાર્ક કરી કામ સબબ બેંક નજીક ગયા હતા ત્યારે એક મહિલા સહિત ૩ શખ્સોએ મોટર સાયકલની ડેકીમાંથી ૫૫૦૦૦ સાથેની થેલી કાઢી લીધી હતી. તેમા બેંકની પાસબુકો અને ચેકબુકો પણ હતી. સતવારા વૃદ્ધ પરત આવ્યા ત્યારે ડેકીમાંથી થેલી ગાયબ જોતા જ ચોરી થઈ હોવાની ખબર પડી હતી. આ બનાવની જાણ પડધરી પોલીસ મથકમાં કરવામાં આવતા પીએસઆઈ જે.વી. વાઢીયા સહિતની ટીમે સતવારા વૃદ્ધની ફરીયાદ પરથી ગણતરીની કલાકોમાં જ મધ્યપ્રદેશની એક મહિલા અને તેની સાથેના બે શખ્સોને સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરી છે.

(3:50 pm IST)