Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

શનિદેવ મંદિર વૈશ્વિક સ્તરે પ્રસિધ્ધિ પામશેઃ મંત્રીશ્રી ચુડાસમા

શનિમંદિર હાથલા ખાતે રૂ.૩ કરોડના વિકાસ કામોનો શુભારંભ

દેવભૂમિ દ્વારકા, તા.૮: રાજયના શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શનિમંદિર હાથલા ખાતે રૂ.૩ કરોડના વિકાસ કામોનો શુભારંભ કરાવી જણાવ્યું હતું કે શનિદેવનું મંદિર એ બહુ પૌરાણિક મંદિર અને આસ્થાનું કેન્દ્ર છે. યાત્રાધામ વિકાસ બોર્ડ તથા પ્રવાસન નિગમની માન. નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે જુના સ્થાનોને વિકસાવવાની યોજના બનેલી. જેના ભાગરૂપે રાજય સરકારે ઇન્ફાસ્ટ્રકચર, મંદિર, ભોજનાલય, વી.આઇ.પી. રૂમો, હોલ વગેરે મળી કુલ ૧૦ કરોડનો પ્રોજેકટ મંજુર કરેલ છે. જે પૈકી ડાયનીંગ હોલ, ટોયલેટ બ્લોક પાર્કીંગ, સીસી રોડ વગેરેના પ્રથમ ફેસના અંદાજિત રૂ. ૩ કરોડના કામોનો શુભારંભ કરવામાં આવ્યો હતો.  મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ કામો ૧૧ મહિનામાં પુર્ણ થઇ જશે.

આ દરમ્યાન જ બીજા ફેસના ૭ કરોડના કામોની પણ શરૂઆત કરી દેવામાં આવશે. આની સાથે સામે હાથલા ગામની પીવાના પાણીની સમસ્યા, પંચાયત દ્યર વગેરે પણ આ પ્રોજેકટ સાથે સમાવી લેવામાં આવશે. મંત્રીશ્રીએ મંદિર પરિસદમાં સ્વચ્છતા પણ ખાસ ભાર મુકવા જણાવ્યું હતુ અને ઉમેર્યું હતું કે આવનારા સમયમાં આ સ્થાન વૈશ્વિક સ્તરે પ્રસિધ્ધ થશે. મંત્રીશ્રી તથા મહાનુભાવોએ કાર્યક્રમ પુર્વે શનિદેવના દર્શન કરી પુજા-અર્ચના કરી હતી. મંત્રીશ્રીએ કહયું હતું કે શનિદાદાના દર્શન માત્રથી લોકો ધન્ય થઇ જાય છે.  આ કાર્યક્રમમાં ધારાસભ્ય લાલજીભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડા, પુર્વ મંત્રી બાબુભાઇ બોખીરીયા, સરપંચ વિનોદપુરી ગૌસ્વામી, કલેકટરશ્રી જે.આર. ડોડીયા, પ્રાંત અધિકારીશ્રી જાડેજા, સહિત અધિકારી કર્મચારીશ્રીઓ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.(૨૩.૨)

 

(11:46 am IST)