Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

મોરબી, બનાસકાંઠા અને કચ્‍છ જિલ્લામાં યુવકોને માર મારવાના વીડિયો વાયરલ થતા તપાસના આદેશ

રાજકોટઃ રાજ્યના અલગ અલગ વિસ્તારો મોરબી, બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાંથી માર મારવાના 3 વીડિયો એક દિવસમાં વાયરલ થતા જિલ્લા પોલીસ વડાઓએ અંગે તપાસ કરવાના આદેશ આપ્યા છે. જોકે કચ્છના વીડિયોની સત્યતાની ખાતરી થઈ શકી હોવાથી માત્ર બીજા બે વીડિયો મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. બનાસકાંઠા અને મોરબીના વીડિયોમાં જોવા મળતી માર મારવાની ઘટનામાં SP દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ટ્રેક્ટર સાથે બાંધી માર માર્યો

જેમાં સૌથી પહેલા મોરબીના માળિયા-મિયાણા ગામના 3 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસે બુધવારે ગુનો નોંધ્યો હતો. જેમાં અલ્લારખા સંધવાણી, સૌકત અલી મોવર અને માકો મોવર 35 વર્ષના માછીમાર રફિક મિયાણાને ટ્રેક્ટર સાથે બાંધીને માર મારતા હોવાનું વીડિયોમાં જોઈ શકાતું હતું. ત્રણેય વ્યક્તિઓ મીઠાના અગરિયામાં કામ કરે છે.

મોરબી નજીકની ઘટના

પોલીસ મુજબ ઘટના 2 ડિસેમ્બરના રોજ ઘટી હતી.મિયાણા પર તેની માછીમારીની બોટ માટે ડીઝલ ચોરી કરવાના આરોપ સાથે ત્રણે આરોપીઓએ મિયાણાને માર માર્યો હતો. માર મારતી વખતે વીડિયો ઉતારીને વોટ્સએપમાં શેર કરવામાં આવ્યો હતો. જે થોડાક સમયમાં વાયરલ થઈ જતા પોલીસ સુધી પહોંચ્યો હતો.

બનાસકાંઠાના થરાદની ઘટના

જ્યારે બીજા બનાવમાં બનાસકાંઠા થરાદ ખાતે ગેરકાયદેસર રીતે દારુની હેરાફેરી કરતા વ્યક્તિને પોલીસ દ્વારા દંડાથી જાહેરમાં મારવામાં આવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ગુરુવારે વાયરલ થઈ ગયો હતો. જે અંગે જિલ્લાના ઇન્ચાર્જ એસપી અજીત રાજ્યનને જાણ થતા તેમણે વીડિયોની સત્યતા તપાસવા અને ઘટના અંગે જાણવા માટે આદેશ આપ્યા હતા.

પોલીસે દારુની હેરાફેરીમાં પકડાયેલ વ્યક્તિની કરી સરાજાહેર સરભરા

વીડિયોમાં જોવા મળે છે કે એક વ્યક્તિને બંને પગ બાંધીને ઉભો રાખવામાં આવ્યો છે જેની ગળેથી એક અન્ય વ્યક્તિ પકડી રાખે છે અને પોલીસના કપડા પહેરલ અન્ય વ્યક્તિ તેને માર મારે છે. વીડિયો મુજબ ઘટના થરાદથી થોડા કિમી દૂર જેતારા ગામ નજીકના રોડ પર બની છે. માર ખાનાર વ્યક્તિની ઓળખ સિદ્ધરાજ વાઘેલા તરીકે થઈ છે. થરાદ પોલીસનું કહેવું છે કે વાઘેલાની ધરપકડ દારુની હેરફેર માટે થઈ હતી.

(5:28 pm IST)