Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

વિસાવદર પંથકમાં આદમખોર દિપડો ૮ ખેડૂતોને ભરખી ગ્યો છતાં તંત્ર નિંભર : કોંગ્રેસ

પાક વિમો-વિજળી સહિતના પ્રશ્નોથી ખેડૂતો હેરાન-પરેશાન : સરકાર નહિ જાગે તો આંદોલન : ધારાસભ્ય હર્ષદ રિબડીયાની ચીમકી

વિસાવદર, તા. ૮ અત્રેના ભેંસાણ વિસાવદર સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી આદમખોર દિપડાનો અનહદ ત્રાસ છે. ૮-૮ ખેડૂતોને આ દિપડો ભરખી ગયો છે છતાં વન વિભાગ તેને પકડી શકયો નથી. એટલુ જ નહીં ખેડૂતો પાક વિમો-વિજળી જેવા પ્રશ્નોના સામનો કરી રહ્યા છે છતાં સરકારના પેટનું પાણી નથી હલતુ તેવા આક્ષેપો સાથે ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ આ મુદે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

તેઓએ જણાવ્યું કે હમણા તાજેતરમાં વિસાવદર, ભેંસાણ અને અમરેલી જિલ્લાની હદમાં માનવભક્ષી દિપડાએ આઠ-આઠ નિર્દોષ ખેડૂતોના જીવ લીધા છે ત્યારે રાજયની ભાજપ સરકારને જાણે મનુષ્યની અમૂલ્ય જીંદગીની કોઇ દરકાર ન હોય તે રીતે આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ રાજય સરકારનું વન વિભાગ માનવભક્ષી દિપડાને પકડવામાં સંદતર નિષ્ફળ નીવડેલ છે.

કિશાન-કો-ઓર્ડીનેટર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી અને વિસાવદરના ધરતીપુત્ર હર્ષદભાઇ રિબડીયા આકરા પાણીએ માનવભક્ષી દિપડાને પ્રશ્ને ખેડૂતોના હિતમાં રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને રૂબરૂ મળીને કરી રજૂઆત સાથો સાથે રાજયના વનમંત્રીશ્રી ગણપતભાઇ વસાવા તેમજ ઉજામંત્રીશ્રી સૌરભભાઇને પણ રૂબરૂ મળીને જંગલની બોર્ડર વિસ્તારના ગામોની સીમના ખેડૂતોની જરા પણ આપને દરકાર હોય તો રાત્રે નહીં દિવસે વિજળી આપો આવી આક્રોશ પૂર્વક રજૂઆત કરેલ.

આ તકે જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોકીયા અને માંગરોળ-માળીયાના ધારાસભ્ય બાબુભાઇ વાજા અને જુનાગઢના ધારાસભ્યશ્રી ભીખાભાઇ જોશી હાજર રહ્યા. વધુમાં હર્ષદભાઇ રિબડીયાએ જણાવેલ છે કે, ખેડૂતનો દિકરો કઇ વધારાનો નથી કે સરકાર તેમની અમૂલ્ય જિંદગી પ્રત્યે બેદરકાર છે ? આગામી દિવસોમાં આવા ખેડૂતોના ગંભીર વિવિધ પ્રશ્ને જુનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કક્ષાનો ઉગ્ર આંદોલન વિસાવદર ક્ષેત્રમાં કરવાની તૈયારીઓ કરાઇ રહી છે કારણ કે આર્થિક રીતે પાયમાલ થયેલ જગતના તાતને એકબાજુ જંગલી જાનવરોનો ત્રાસ બીજી બાજુ લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયેલ ત્યારે જુનાગઢ પંથકમાં ૧ર૦%થી પણ વધારે વરસાદ થયેલ છે ત્યારે સર્વે કર્યા વગર પણ રાજય અને કેન્દ્રની સરકાર પાસે જગતના તાતા ખેડૂતને પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના હેઠળ પાક વિમો મેળવવાના કાયદેસરના હકકદાર છે જે પ્રશ્ને પણ સરકાર ખેડૂતોના હકકનો પાક વીમો ન અપાવીને ઇરાદાપૂર્વક આંખ આડા કાન કરી વિમા કંપનીને બચાવવાના પ્રયત્નો કરી રહી છે. આ એક ખેડૂત વિરોધી નીતિ અને વિમા કંપની સાથે સરકારની સાંઠગાંઠ હોય તેવું દેખીતે જોવા મળી રહ્યું છે ત્યારે સરકાર સામે આંદોલન સિવાય બીજો કોઇ ઉપાય નથી તેવું જુનાગઢ કોંગ્રેસ સમિતિના મહામંત્રી વી.ટી. સીડાની યાદીમાં જણાવેલ છે.

(12:58 pm IST)