Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

જામનગર જિલ્લામાં ૧,૮૩ લાખ બાળકોની શાળા આરોગ્ય તપાસ કામગીરીનું આયોજન

શાળાઓ-આંગણવાડીના બાળકોની આરોગ્ય તપાસ કરાવવા વાલીઓને અનુરોધ

જામનગર તા.૮ : જામનગર જીલ્લામાં વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ આગામી તા.રપ નવે.થી તા.૩૦ જાન્યુઆરી સુધી બાળકોની આરોગ્ય તપાસ કામગીરી કરાશે જેમાં જિલ્લાની માધ્યમિક, પ્રા.શાળાના તથા આંગણવાડીના મળી કુલ ૧૮૩૮૯૮ બાળકોને પ્રા.આ.કેન્દ્રના આરોગ્ય સ્ટાફ તથા મેડીકલ ઓફીસર દ્વારા આરોગ્ય તપાસ કરાશે જે પૈકી સંદર્ભે સેવાવાળા બાળકોને વધુ સેવા માટે રીફર કરી સંપુર્ણ સારવારની સુવિધા પુરી પાડવામાં આવશે.

સમગ્ર જીલ્લામાં ચાલનારા શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમનું યોગ્ય રીતે સંચાલન થાય તે માટે કલેકટરશ્રી રવિશંકર તથા જીલ્લા વિકાસ અધિકારી રાજેન્દ્રસિંહ સરવૈયા અને આરોગ્ય વિભાગની માર્ગદર્શક સૂચના મુજબ શાળા તપાસનું ગામ શાળા વાર આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં આરોગ્ય તેમજ અન્ય વિભાગને પણ શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમમાં સાંકળી લઇ લગત કામગીરી સમયસર કરવા પત્ર દ્વારા માર્ગદર્શન આપેલ છે. તમામ વિભાગોએ આ કાર્યક્રમમાં સંપુર્ણ સહભાગી બની કામગીરી કરવાની રહેશે. આ કાર્યક્રમ દરેક ગામમાં શાળા આરોગ્ય સપ્તાહ તરીકે ઉૈજવણી કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં પ્રથમ દિવસે ગામ તથા શાળાની સફાઇ, પાણીના સ્ત્રોત, ગટરની સફાઇ, ઔષધિય વૃક્ષારોપણ પ્રદર્શન, પંચાયત વન અને વોટર સપ્લાય વિભાગ દ્વારા કામગીરી, બીજા દિવસે બાળકોની પ્રાથમિક તપાસ, આરોગ્ય શિક્ષણ બાળકોનુ ઉંચાઇ વજન, શિક્ષકો, આરોગ્ય સ્ટાફ, આઇસીડીએસ આશા બહેનો દ્વારા, ત્રીજા દિવસે ન્યુટ્રીશન દિવસ આરોગ્ય લગત હરિફાઇ દાદા દાદી મીટીંગ  શિક્ષકો આરોગ્ય સ્ટાફ આઇસીડીએસ આશાબહેનો દ્વારા, ચોથા દિવસે બાળકોની તબીબી તપાસ, વાલી મીટીંગ મેડીકલ ઓફીસર દ્વારા તેમજ પાંચમા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ, આરોગ્યપ્રદ રમતો, વકતૃત્વ સ્પર્ધા, ગ્રા.સં.સમિતિ મીટીંગ પુર્ણાહુતી કાર્યક્રમ શિક્ષકો આરોગ્ય સ્ટાફ આઇસીડીએસ આશાબહેનો દ્વારા, ગ્રામ સંજીવની સમિતિના સભ્યો દ્વારા પ્રતિભાવ.

પ્રા.આ.કેન્દ્રના મેડીકલ ઓફીસર દ્વારા બાળકોની આરોગ્ય તપાસ કરી સંદર્ભ સેવાની જરૂરીયાત વાળા બાળકોને વધુ તપાસ અર્થે તાલુકા કક્ષાઅી જી.જી.હોસ્પિટલની ખાસ ડોકટરોની ટીમ દ્વારા બાળરોગ નિષ્ણાંત, જનરલ ફીઝીશીયન, આંખના નિષ્ણાંત, નાક કાન ગળાના તથા દાંતના ડોકટરોની ટીમ દ્વારા બાળકોની તપાસ કરાશે. તાલુકાકક્ષાએ ટીએચઓ દ્વારા આ કામગીરીનુ સંકલન કરી વધુ સારવાર વાળા બાળકોને રાજયની હોસ્પિટલમાં કે અન્ય રાજયોની હોસ્પિટલમાં વિનામુલ્યે સારવાર અપાશે.

જામનગર જીલ્લામાં ગત વર્ષ દરમિયાન કેન્સરના ૨૮, હૃદય રોગના ૧૩૪, કીડનીના ૨૩, થેલેસેમીયાના ૪ તથા બાળરોગના ૨૬ આમ કુલ ૨૧૫ બાળકોને સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા વિનામુલ્યે સુપર સ્પેશ્યાલીસ્ટ સારવાર પુરી પાડવામાં આવેલ હતી.

લોકોને કાર્યક્રમની જાણકારી માટે પ્રચાર પ્રસારની કામગીરી જેવી કે આશા બહેનો દ્વારા સપ્તધારા, બેનર, પ્રદર્શન, ફોલ્ડર, પોસ્ટર, માઇક, પ્રચાર, જૂથ મિટીંગો શિબિરો કે રૂબરૂ જાણકારી દ્વારા તથા લોકઆગેવાનો તથા એનજીઓના સહયોગ દ્વારા જાણકારી આપવામાં આવે છે.

જામનગર જિલ્લાની જાહેર જનતાને કલેકટર રવિશંકર તથા જિલ્લા વિકાસ અધિકારી રાજેન્દ્રસિંહ સરવૈયાની સંયુકત અપીલમાં તમારા વિસ્તારના માધ્યમીક, પ્રા.શાળાના તથા આંગણવાડીના બાળકોની તપાસ માટે આરોગ્ય વિભાગની ટીમ તમારા ગામમાં આવે ત્યારે તમારા બાળકોની તપાસ કરાવવા વાલીઓને વિનંતી કરેલ છે એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.એ.જી.બથવારની યાદી જણાવે છે.

(11:36 am IST)