Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

'મહા'ની અસરઃ ભાવનગર જીલ્લામાં તોફાની વરસાદઃ જાફરાબાદની બોટ લાપત્તા

ગંગેશ્વરી બોટ ૮ ખલાસીઓ સાથે ૭ દિવસથી દરિયામાં ગુમઃ ર૪ કલાકથી સંપર્ક વિહોણા

ભાવનગર તા. ૮ :.. સૌરાષ્ટ્રનાં દરિયા કિનારે 'મહા' વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળી હતી. ભાવનગર જીલ્લામાં પણ તોફાની વરસાદ વરસી ગયો હતો.

ભાવનગર જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો હતો. મહુવા, તળાજા અને અલંગ સહિતનાં તાલુકાઓ અને મથકોમાં વરસાદ પડયો હતો. મહુવામાં ખુબ જ તોફાની વરસાદ પડયો હતો. કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડયો હતો. તળાજાના પ્રસિધ્ધ ગોપનાથ બીચ અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને ત્યારબાદ તોફાની વરસાદ પણ ખાબકયો હતો.

જાફરાબાદની બોટ ૭ દિ' થી લાપત્તા

જાફરાબાદ : અહીંની ગંગેશ્વરી બોટ સાથે ૮ ખલાસી લાપતા થયા છે. ર૪ કલાકથી ખલાસીઓનો સંપર્ક થઇ રહ્યો નથી. ગઇકાલે મહુવા - ભાવનગર વચ્ચે આવેલા દરિયા નજીક લોકેશન આવ્યું હતું. ફિશરીઝ વિભાગ દ્વારા કોસ્ટગાર્ડને જાણ કરાઇ છે. ત્યારબાદ કોસ્ટગાર્ડ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.

જાફરાબાદથી તા. ૩૦ મી ઓકટોબરે બોટ દરિયામાં ગઇ હતી. બોટ લાપતા થતા માછીમારોમાં ચિંતા સાથે દોડધામ શરૂ થઇ છે.

(11:21 am IST)