Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

જામનગર : આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનાર યોજાયો

જામનગર તા. ૮ : જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નશાબંધી અને આબકારી ખાતું તથા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુકત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત એક માર્ગદર્શન સેમિનારનું આયોજન વી.એમ.મહેતા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કાનૂની સેવા સત્ત્।ા મંડળના પેરા લીગલ વોલન્ટિર પેક્ષાબેન ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મહિલાઓ, બાળકો, દિવ્યાંગો, અનુ.જાતિ-જનજાતિના લોકોને તેમજ જરૂરિયાતમંદ લોકોને મળતી કાનૂની સહાય વિશે  તેમજ સાયબર ક્રાઇમ અને સેલ્ફ ડિફેન્સ વિશે માહિતી પૂરી પાડી હતી. નશાબંધી અને આબકારી વિભાગના અધિક્ષકશ્રી સહદેવસિંહ વાળા દ્વારા નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા ઉજવવામાં આવી રહેલ નશાબંધી સપ્તાહ તથા વિભાગની કામગીરીથી અવગત કરાવીને વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રહેવા જણાવ્યું હતું.

જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો.ચંદ્રેશ ભાંભી દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની સખી-વન સ્ટોપ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, ચાઈલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ વિગેરે વિશે વિસ્તૃત માહિતી આપી હતી સાથે સાથે કોઈપણ વ્યસનનો વધુ પ્રમાણમાં ભોગ મહિલાઓ અને બાળકો જ બનતા હોય છે તથા વ્યસનને કારણે મહિલાઓ અને બાળકો પર થતા અત્યાચારો વિશે માહિતી આપી હતી. વી.એમ.મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો.સિંઘ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ અને વાંચનનો નશો કરી ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા તથા ટેકનોલોજીના હકારાત્મક ઉપયોગ માટે વિદ્યાર્થીઓને જણાવેલ. સખી-વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથીયા દ્વારા ઉપસ્થિત તમામનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના એન.એસ.એ. કોર્ડીનેટર કિંજલબેન ભટ્ટ, કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

(12:54 pm IST)