Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

નદીમાં નાહવા જતા યુવાનનું ડુબી જતા મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૮: કાલાવડના જીવાપર રોડ, મોમાઈ કોલોનીમાં રહેતા ગીરધરભાઈ ગગજીભાઈ પાટડીયા, ઉ.વ.૪પ, એ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, ૭–૧૦–ર૧ના આ કામે મરણજનાર કેશુભાઈ ગગજીભાઈ પાટડીયા, ઉ.વ.૪૩, રે. મોમાઈ કોલોની, જીવાપર રોડ, કાલાવડવાળા સવારના દશેક વાગ્યાની આસપાસ તેમની ઘરની સામે આવેલ કારાવડી નદીમાં નાહવા ગયેલ હોય  અને તેને તરતા આવડતુ ન હોય જેથી કપડા ધોવાની છીપર પર સેવાળના કારણે પગ લપસી જવાથી ઉંડા પાણીમાં પડી જતા ડુબી જતા મરણ થયેલ છે.

દારૂની પાંચ બોટલ સાથે ઝડપાયો : એક ફરાર

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. દશરથસિંહ મહોબતસિંહ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, ભાટની આંબલી પોરવાડના ડેલા પાસે, જામનગરમાં આ કામના આરોપી જીગ્નેશ ઉર્ફે જીગો દિનેશભાઈ સોલંકી, રે. જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જા માંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–પ, કિંમત રૂ.રપ૦૦/– તથા એક મોબાઈલ ફોન કિંમત રૂ.પ,૦૦૦/– નો રાખી ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી હાર્દિકભાઈ ચુડાસમા ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જુગાર રમતો ઝડપાયો

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૭–૧૦–ર૦ર૧ ના પંચવટી સર્કલ, ખેતલાઆપા હોટલ પાસે જામનગરમાં આ કામના આરોપી અલ્તાફ અમીરઅલી મુખીડા, રે. જામનગરવાળો પોતાના મોબાઈલ માં આવેલ યુનાઈટ ૭૭૭ કોમ નામની આઈ.ડી. પર યુ.એ.ઈ. દેશમાં રમાતા આઈ.પી.એલ. ક્રિકેટના ર૦–ર૦ ટુર્નામેન્ટની રમાતી કોલકતા નાઈટ રાઈડર્સ વિ. રાજસ્થાન રોયલ ની ટીમ વચ્ચેના ભાવ જોઈ બંન્ને ટીમની હારજીત અને રનેફર નામનો જુગાર રમી રમાડી મળી આવતા રેઈડ દરમ્યાન રોકડા રૂ.રપ,૦૦૦/– તથા મોબાઈલ ફોન નંગ–૧, કિંમત રૂ.૩,૦૦૦/– મળી કુલ રૂ.પ,પ૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂના જથ્થા સાથે બે ઝડપાયો : એક ફરાર

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી.ના હેડ કોન્સ. યશપાલસિંહ અનિરૂઘ્ધસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૭–૧૦–ર૧ના ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે આ કામના આરોપી કરણસિંહ હરપાલસિંહ ગોહીલ, શકિતસિંહ ધીરૂભા જાડેજા, રે. જામનગર વાળા ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોાતાના કબ્જાની સેન્ટ્રો કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરી વેચાણ અર્થે રાખી રેઈડ દરમ્યાન બોટલ નંગ–૮૬, કિંમત રૂ.૩૪,૪૦૦/– તથા ચપટા નંગ–ર૧૬, કિંમત રૂ.ર૧,૬૦૦/– તથા મોબાઈલ ફોન નંગ–ર કિંમત રૂ.૭૦૦૦/– તથા સેન્ટ્રો કાર કિંમત રૂ.૧,૦૦,૦૦૦/– મળી કુલ રૂ.૧,૬૩,૦૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા દારૂ સપ્લાય કરનાર આરોપી ના મો.નં.૭૦૯૬૯૪૮૪૬૦ તથા ૯પપ૮પ૦૩૧૭૩ વાળો ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામજોધપુરમાં જુગાર રમતી દસ મહિલા ઝડપાઈ

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. મેઘરાજસિંહ જયદેવસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૭–૧૦–ર૧ના રામવાડી, રીંગરોડ પર કિરણભાઈ લાલજીભાઈ સીણોજીયાના મકાનની આડસમા ખુલ્લા પ્લોટમાં આ કામના આરોપીઓ સપનાબેન કિરણભાઈ લાલજીભાઈ સીણોજીયા, આરતીબેન પારસભાઈ રમેશભાઈ માકડીયા, તારાબેન નિલેશભાઈ હરીભાઈ લાડાણી, ચંદ્રીકાબેન પ્રવિણભાઈ છગનભાઈ ઘેટીયા, અલ્કાબેન વિનોદભાઈ મગનભાઈ સાપરીયા, નીરૂપાબેન હરીભાઈ નારણભાઈ સીલુ, નિર્મળાબેન જીતુભાઈ મનસુખભાઈ જાવીયા, ઉષાબેન જેન્તીભાઈ બચુભાઈ દેલવાડીયા, રસીલાબેન અરવીંદભાઈ લક્ષ્મણભાઈ દઢાણીયા, પ્રભાબેન બાબુભાઈ પરગટીયા, રે. જામજોધપુરવાળા ગંજીપતાના પાના વડે રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૮,ર૯૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

અજાણ્યા પુરૂષે ઝેરી દવા પી જતા મોત

જામખંભાડીયાના શીરૂવાડી શકિતનગરમાં રહેતા દર્શનભાઈ રમેશભાઈ કછટીયા, ઉ.વ.ર૯ એ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.પ–૧૦–ર૧ના આ કામે મરણજનાર કોઈ અજાણ્યો પુરૂષ ઈસમ ઉ.વ.આ.૭૦ વાળો તળાવની પાળે ગેઈટ નં.–૦૧ પાસે, જામનગરમાં કોઈ ઝેરી પદાર્થ પી સારવારમાં જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે બેભાન હાલતમાં દાખલ હોય જે સારવાર દરમ્યાન તા.૭–૧૦–ર૧ ના મરણ થયેલ છે.

છાતીમાં દુઃખાવો ઉપડતા વૃઘ્ધનું મોત

અહીં બેડીમાં ઈકબાલ ચોક જામનગરમાં રહેતા કાનજીભાઈ અરશીભાઈ જાદવ, ઉ.વ.૪ર એ સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં  જાહેર કરેલ છે કે, તા.૭–૧૦–ર૧ના આ કામે મરણજનાર દેવાભાઈ અરશીભાઈ જાદવ, ઉ.વ.૬૦, રે. બેડી ઈકબાલ ચોક, જામનગરવાળા બેડી જૂના દેશીના દવાખાના પાસે ગટર સાફ કરતી વખતે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા બેભાન થઈ જતા સારવારમાં જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે લઈ જતા ડોકટરે મરણ ગયેલાનું જાહેર કરેલ છે.

(12:53 pm IST)