Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

સાવરકુંડલામાં નવરાત્રી મહોત્સવનો ઉત્સાહ સાથે પ્રારંભ

સર્વોદયનગર અને કૃષ્ણપ્લોટ વિસ્તારના મુખ્ય રોડને લાઈટ ડેકોરેશનથી સુશોભીત કરાયો

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. ૮ :. કોરોના મહામારીમાં મહદઅંશે રાહત મળતા ધાર્મિક ઉત્સવો ઉજવવાની મંજુરી મળતા સાવરકુંડલા શહેરના યુવાનો દ્વારા તાજેતરમાં જ ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરાયા બાદ ગઈકાલથી નવલા નોરતાની પણ આનંદ-ઉલ્લાસ સાથે ધાર્મિક વાતાવરણમાં ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. સાવરકુંડલામાં આકર્ષણરૂપ ગણાતા પ્રાચીન રાસ મંડળ ખોડીયાર બાળ મંડળ દ્વારા દેવળા ગેઈટથી લઈ કૃષ્ણપ્લોટ અને સર્વોદયનગરના મુખ્ય રોડને લાઈટ ડેકોરેશનથી સજાવાયો છે.

અહીં ખોડીયાર બાળ મંડળના ઉપક્રમે છેલ્લા પંચોત્તેર વર્ષથી નવલા નોરતાની ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં ખોડીયાર બાળ મંડળના નાના ભૂલકાઓ તથા યુવાનો પ્રાચીન પરિધાન સાથે માતાજીના ગરબાના સૂર સાથે દરરોજ રાત્રે રાસ રમે છે. જે નિહાળવા માટે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આ જ વિસ્તારમાં શહિદ ભગતસિંહ યુવા મંડળ દ્વારા પણ નવરાત્રીના અનુસંધાને ધાર્મિક ફલોટ ઉભો કરાયો છે જે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

(12:51 pm IST)