Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

મહુવા-જેતપુર હાઇવેના કામે પેકેજ -૧ માટે કેન્દ્ર સરકાર તરફથી રૂ. ૯૭ કરોડ મંજૂર

અમરેલી સાંસદ નારણભાઇ કાછડીયાના પ્રયાસોથી

અમરેલી,તા.૮ : સંસદીય વિસ્તારના વિકાસ માટે સાંસદ નારણભાઈ કાછડીયા તરફથી પ્રયાસો કરવામાં આવે છે ત્યારે સાંસદશ્રી દ્વારા મહુવા–જેતપુર નેશનલ હાઈવેના કામમાં પ્રગતિ આવે અને કેન્દ્ર સરકારશ્રી તરફથી નાણાંકીય ફાળવણી થાય તે માટે તેઓ તરફથી પ્રયત્નો કરવામાં  આવી રહયા હતા. જેના ફળ સ્વરૂપે મહુવા–જેતપુર નેશનલ હાઈવેના કામે પેકેજ–૧ માટે રૂ. ૯૭ કરોડ મંજુર કરેલ હોવા અને પેકેજ–ર માટે વર્ષ ર૦ર૧–રર ના એન્યુલ પ્લાનમાં રૂ. ૯૮ કરોડની જોગવાઈ કરેલ હોવા બાબતે કેન્દ્રીય સડક પરીવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીએ સાંસદશ્રીને લેખિત પ્રત્યુતર પાઠવેલ છે. આ માટે સાંસદશ્રીએ કેન્દ્રીય મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીનો સહદય આભાર વ્યકત કરેલ છે.

સાંસદશ્રીએ જણાવેલ છે કે, કોઈપણ જીલ્લાના વિકાસ માટે રેલ્વે અને નેશનલ હાઈવે મુખ્ય ભુમિકા ભજવે છે ત્યારે અમરેલી સંસદીય વિસ્તાર માંથી પસાર થતા મહુવા–સાવરકુંડલા–અમરેલી–બગસરા–વડીયા–જેતપુર  નેશનલ હાઈવે નં. ૩પ૧ની કેન્દ્ર સરકાર તરફથી વર્ષ ર૦૧પ–૧૬ માં જાહેરાત કરવામાં આવેલ હતી. આ નેશનલ હાઈવેની કુલ લંબાઈ કુલ ૧૮૧ કિ.મી. છે અને આ સમગ્ર કામને કુલ પાંચ પેકેજમાં વિભાજીત કરવામાં આવેલ છે. જેમાં પેકેજ–૧ મહુવા થી બાઢડા, પેકેજ–ર બાઢડા થી અમરેલી, પેકેજ–૩ અમરેલી થી બગસરા, પેકેજ–૪ બગસરા થી વડીયા અને પેકેજ–પ વડીયા થી જેતપુરનો સમાવેશ થાય છે. 

સાંસદએ વધુમાં જણાવેલ છે કે, આ નેશનલ હાઈવેની જાહેરાત થયા બાદ તેની સર્વેથી લઈ એલાયમેન્ટની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી હતી. આ કામોમાં પ્રગતિ આવે તે માટે નેશનલ હાઈવેના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી જરૂરીયાત જણાય ત્યારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી વિલંબિત પડેલ પ્રશ્નના નિરાકરણ લાવેલ હતા. જેના પરિણામ સ્વરૂપે કેન્દ્ર સરકાર તરફથી મહુવા–જેતપુર નેશનલ હાઈવેના પેકેજ–૧ માટે રૂ. ૯૭ કરોડની ફાળવણી થઈ ગયેલ છે અને પેકેજ–ર માટે રૂ. ૯૮ કરોડની જોગવાઈ વર્ષ ર૦ર૧–રરના એન્યુલ પ્લાનમાં કરવામાં આવેલ છે.

(12:51 pm IST)