Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

જામનગરના ૭ દાયકાથી યોજાતી શ્રી પટેલ યુવક ગરબી મંડળમાં તલવાર અને મશાલ રાસે જમાવ્યું અનેરૂ

આકર્ષણ : શીવાજીનુ હાલરડુ અને ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ના ગીતના સંગાથે યુવાનો દ્વારા જોમ સાથે તલવાર રાસ રજૂ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૮ જામનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં પ્રાચીન-અર્વાચીન ગરબીઓ દ્વારા ર્માં આદ્યશક્તિની આરાધનાનું મહાપર્વ નવરાત્રિને ભક્તિભાવ સાથે ઉત્સાહભર્યા માહોલમાં ઉજવવામાં આવી રહ્યું છે. જામનગરના રણજીતનગરમાં પટેલ સમાજના ચોકમાં છેલ્લા 70 વર્ષ થી પટેલ યુવક ગરબી મંડળ દ્વારા નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં યુવકો દ્વારા રજુ થતાં તલવાર રાસ અને મશાલ રાસે લોકોમાં જબરૂ આકર્ષણ જમાવ્યું છે.

વિશાળ સ્ટેજ પર પરંપરાગત કેળિયું અને ચોયણીના વસ્ત્રો પરિધાન કરીને  આ ગરબી મંડળના ખેલૈયાઓને નિહાળવા રાત્રે માનવ મહેરામણ ઉમટી પડે છે.

જામનગરના રણજીતનગર લેઉવા પટેલ સમાજ પાસે શ્રી પટેલ યુવક ગરબી મંડળના તલવાર રાસની ઝલક નિહાળવા જેવી હોય છે. હાથમાં ખુલ્લી તલવાર સાથે શકિત અને શૌર્યના પ્રતીક સાથે ગરબે ઘૂમતા ખૈલૈયાઑ સૌનું મન મોહી લ્યે છે. શીવાજીના હાલરડાં અને ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ના ગીતે યુવાનો જોમ સાથે તલવાર રાસ રજૂ કરતાં હોય છે.

 

જામનગરના રણજીત નગર પટેલ સમાજ પાસે યોજાતી પટેલ યુવક ગરબી મંડળમાં  યુવાનો દાંતરડા, મશાલ અને તલવારથી રાસ રમે છે. મશાલ રાસમાં યુવાનો આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમે છે. આ દ્રશ્ય બહુ જ નયનરમ્ય હોય છે. આ ઉપરાંત મશાલ રાસ દરમ્યાન મશાલ સાથે સવસ્તિકના પ્રતિક પણ યુવાનો ગરબા દરમ્યાન રચે છે. જેથી લોકોમાં આ રાસ- ગરબાઓનું ખાસ વિશેષ આકર્ષણ છે, જેથી આ રાસને નિહાળવા  લોકો અહીં ઉપસ્થિત થાય છે. દાંતરડા, મશાલ અને તલવારથી ખેલૈયાઓ કઈ રીતે ખુમારી સાથે રમે છે રાસ તે જોવાનો રોમાંચ જ કંઈક અલગ છે. તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર

(11:17 am IST)