Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

માર્ગદર્શિકાના પાલન વગર મગફળીના પાકનું ક્રોપ કટીંગઃ લલિતભાઇ વસોયાનો આક્રોશ

ધોરાજી તા.૮: ધોરાજી-ઉપલેટાનાં ધારાસભ્‍ય લલિતભાઇ વસોયાએ રાજયનાં મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાની માર્ગદર્શિકા પ્રમાણે મગફળીનું ક્રોપ કટીંગ કરાવવા માંગણી કરી છે.

લલિત ભાઇ વસોયાએ વધુમાં જણાવેલ છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ મગફળીના પાકનું ક્રોપ કટીંગ ચાલી રહયું છે.તેમા નક્કી થયેલ માર્ગદર્શિકાનું પાલન કરવામાં નથી આવી રહયું. વીમા કંપની અને સરકારની મીલીભગતનાં કારણે ઇરાદાપુર્વક ક્ષતીઓ રાખી દેવામાં આવી છે. જેના કારણે ખેડૂતો પાયમાલ અને વીમા કંપનીઓ માલામાલ થઇ રહી છે.

ધારાસભ્‍ય મુખ્‍યમંત્રીને પત્ર લખે તેમાં બંનેના ગરિમા જળવાય એવી ભાષાનો ઉપયોગ થવો જોઇએ. પણ જયારે આપની સરકાર અને વીમા કંપની સાંઠગાંઠ કરી ખેડૂતોના હકક પર તરાપ મારી રહયા છો ત્‍યારે મારે કહેવું છે કે, ‘‘આપ ગાય મારી કુતરા ધરાવવાનું કામ કરી રહયા છો.''

સરકાર અને વીમા કંપની દ્વારા ક્રોપ કટીંગ માટેના ગામ અને સર્વે નંબરની પસંદગી ખોટી રીતે કરવામાં આવી છે. ધોરાજી તાલુકાના મગફળીના ક્રોપ કટીંગ માટે ૧૦ ગામોના ૨૦ સર્વે નંબર પસંદ કરવામાં આવ્‍યા છે. જેમાંથી ૧૭ સર્વે નંબરમાં પીયતની સગવડતા છે. અને મગફળી ઓરાવીને વાવવામાં આવી છે. ૩ સર્વે નંબરમાં મગફળી હાલમાં ઉભી નથી. જો આજ આધારે ક્રોપ કટીંગ કરવામાં આવે તો ધોરાજી તાલુકાના ખેડૂતોને ૦% પાક વીમો મળે. જે ૧૦ ગામો પસંદ કરવામાં આવ્‍યા છે તેમાંથી ૪ ગામના ૮ સર્વે નંબર તો ભાદર ડેમ અને ભાદર નદીના કાંઠાના સર્વે નંબરો છે. જેમાં ભુખી, વેગડી, ભોળા અને ભોલગામડા છે. અને જેમાં પીયત થતું હોય તે સામાન્‍ય બુદ્ધિનો માણસ પણ સમજી શકે તેવી વાત છે. પણ આ વાત આપની સરકારને કેમ સમજમાં  નથી આવતી એ સવાલ છે.

ધોરાજી તાલુકાના મગફળી માટેના ગામો અને સર્વે નંબરો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની માર્ગદર્શિકા પ્રમાણે ફરીથી પ્રેપ્રોસેસ કરી ક્રોપ કટીંગ કરવામાં આવે... મેં આપને જે માહિતી આપી છે તે માહિતી જો ખોટી હોય તો હું ધારાસભ્‍ય પદેથી રાજીનામું આપવા તૈયાર છું. પણ આપ જીવદયા પ્રેમી છો ખેડૂતોમાં પણ જીવ છે એને બચાવવા માટે તાત્‍કાલિક યોગ્‍ય નિર્ણય કરવા અંતમાં લલિતભાઇ વસોયાએ માંગણી કરી છે.

(4:41 pm IST)