Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

ગોંડલના અનીડા ભાલોડીના વણકર યુવાન સાથે ખેતીની જમીન ખરીદવાના બહાને ૨૭ લાખની ઠગાઈઃ ૩ સામે ગુન્હો

ગોંડલના વસંત વાડોદરીયા તથા તેના પિતા રમેશ વાડોદરીયા તથા એક અજાણ્યા શખ્સ સામે પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા. ૮ :. ગોંડલના અનીડા ભાલોડીના વણકર યુવાન સાથે ખેતીની જમીન ખરીદવાના બહાને ૩ શખ્સોએ ૨૭.૩૭ લાખની છેતરપીંડી કરતા પોલીસમાં ફરીયાદ થઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ અનીડા ભાલોડી ગામે રહેતા ભીખાભાઈ જેઠાભાઈ બગડાએ આરોપી વસંત રમેશભાઈ વાડોદરીયા તથા તેના પિતા રમેશ નાનજીભાઈ વાડોદરીયા રહે. બન્ને સાટોડીયા સોસાયટી ગોંડલ તથા એક અજાણ્યા ઈસમ સામે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીને ખેતીની જમીન ખરીદ કરવાની હોય આરોપી નં. ૧ તથા ૨ના એ એક સંપ કરી નાગડકા રોડ પર કોઈ બીજાની માલિકીની ખેતીની જમીન દેખાડી અને અન્ય એક અજાણ્યા શખ્સને ખેતરનો માલિક હોવાની ઓળખાણ આપી ફરીયાદીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી કટકે કટકે જમીન ખરીદવા રૂ. ૨૭.૩૭ લાખ લઈ લીધા હતા અને બાદમાં આ ભોપાળુ છતુ થતા ફરીયાદીએ રકમની માંગણી કરતા ઉકત બન્ને પિતા-પુત્રએ મારી નાખવાની ધમકી આપી જાત પ્રત્યે હડધૂત કરી છેતરપીંડી કરી હતી.

આ ફરીયાદ અન્વયે ગોંડલ પોલીસે ઉકત ત્રણેય શખ્સો સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:28 pm IST)