Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

જૈન સાધ્‍વીજી ઉપર હુમલાના વિરોધમાં ભચાઉ સજ્જડ બંધ

સાધ્‍વી મહારાજ નમસ્‍કૃતિજી મહાસતીજી ઉપર ૩ શખ્‍સોએ હથિયારના ઘા ઝીંકતા મુંબઇ સુધી ઘેરા પડઘા

ભુજ તા. ૮ : ભચાઉમા સ્‍થાનકવાસી છ કોટી જૈન સંધના મહાસતી પર હુમલો થતા ચકચાર સર્જાઇ છે. હુમલાની ઘટના ગઈકાલે રવિવારે સાંજે પાંચ વાગ્‍યા આસપાસ બની હતી. સાધ્‍વીજી ચાતુર્માસ નિમીતી ભચાઉ ખાતે બીરાજમાન છે. સાધ્‍વી મહારાજ પૂ. નમસ્‍કૃતિજી મહાસતીજી ગૌચરી વ્‍હોરીને પરત જૈન ઉપ્રાશ્રય જઇ રહ્યા હતા ત્‍યારે જ ભચાઉના માંડવીવાસમાં મહાવીર નગર પાસે બાઇક પર ત્રણ શખ્‍સો આવ્‍યા હતા. અને મહાસતીના ગળા પર ધારદાર હથીયાર દ્વારા હુમલો કરી ઈજા પહોંચાડી હતી. મહાસતીના ગળામા ત્રણ તીક્ષણ ઘા મારવામાં આવ્‍યા હતા. ઘાને કારણે લોહી લુહાણ હાલતમાં સાધ્‍વીજીને ભચાઉની વાગડ વેલ્‍ફેર હોસ્‍પિટલમા સારવાર માટે ખસેડાવામા આવ્‍યા હતા.

શંકા એવી હતી કે ચિલઝડપ અથવા લુંટના ઇરાદે તેમના પર આ હુમલો કરાયો હોઇ શકે છે. જો કે, ભચાઉ જૈન સમાજના આગેવાન છગનભાઇ પરબત ગાલાએ જણાવ્‍યુ હતુ કે મહાસતીજી સંસારથી દુર હોય છે અને તેમના પર આ રીતે ખુલ્લો હુમલો એ દુઃખદ ઘટના છે અને સમાજમા તેને લઇને રોષ છે. આ અંગે ભચાઉ પોલિસને જાણ કરાઇ છે.

ભચાઉ પોલિસે ઘટના સ્‍થળે પહોંચી તપાસ શરૂ છે. જો કે લોકોમા આ ઘટનાને પગલે ભારે આક્રોશ છે સમાજના તમામ આગેવાનો હોસ્‍પિટલ દોડી ગયા હતા અને ઘટનાને વખોડી હતી.ᅠ

જૈન સાધ્‍વીજી પર હિંચકારા હુમલાની ધટનાએ સમગ્ર કચ્‍છ અને મુંબઇ સુધી રોષ ફેલાવ્‍યો છે. અને સમાજના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે આજે ભચાઉ બંધનુ એલાન અપાયુ છે. અને દરેક સમાજે કાયદો વ્‍યવસ્‍થાની સ્‍થિતી અને મહાસતી પર થયેલા હુમલાની ધટનાને વખોડી બંધને સમર્થન આપ્‍યુ છે. અને આજે સોમવારે ભચાઉ બંધ રાખી આ ઘટનાનો વિરોધ કરી રહ્યા છે. તો મુંબઇ સહિત સમગ્ર કચ્‍છ સૌરાષ્ટ્રના સમસ્‍ત જૈન સમાજના લોકો એ હુમલાની ઘટનાને વખોડી છે અને આજે સોમવારે લોકો મોટી સંખ્‍યામા વિરોધમાં જોડાયા છે.

પૂર્વ નાણાંમંત્રી બાબુભાઇ મેઘજી શાહ, પૂર્વ રાજયમંત્રી તારાચંદભાઈ છેડા, પ્રદેશ કોંગ્રેસ ના મંત્રી જુમા રાયમા સહિત કચ્‍છના અનેક રાજકીય સામાજિક આગેવાનોએ જૈન સાધ્‍વી ઉપરના હુમલાની ઘટનાને વખોડી આરોપીઓને પકડી આકરી સજા કરવાની માંગ કરી છે.

(12:24 pm IST)