Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

સુરેન્‍દ્રનગરના બજાણામાં ખૂન કા બદલા ખૂન : પ્રેમલગ્નના ડખ્‍ખામાં સરાજાહેર હત્‍યા

રસ્‍તા ઉપર દંપતી ઉપર હુમલો : પત્‍નિની નજર સામે પતિ હબીબખાન સાહેબખાન મલેકને હથીયારોના ઘા ઝીંક્‍યા

 વઢવાણ તા. ૮ : આજથી ૧૨ વર્ષ અગાઉ પ્રેમ પ્રકરણ બાદ ભાગીને લગ્ન કરવાની ઘટના બાદ ત્રણ માસ અગાઉ બજાણાના યુવાનના પિતાને મોતને ઘાટ ઉતાર્યાનો બનાવ બન્‍યો હતો. જેનુ મનદુઃખ રાખીને શનિવારે બાઇક પર જઇ રહેલા શખ્‍સનું રેલવે ફાટક પાસે ધારીયા અને ધોકા સહિતના સાધનો વડે ઘાતકી હત્‍યા કરાતા ખળભળાટ મચી જવા પામ્‍યો છે.

આજથી ૧૨ વર્ષ અગાઉ બજાણા ગામના ઇકબાલખાન રહેમતખાન મલેકે છાબલી ગામના ભીખુશા ચાંદશા ફકીરની દીકરી જાહેદાબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જેના લીધે બન્ને પરિવારો વચ્‍ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. જેમાં આજથી ત્રણેક માસ અગાઉ ઇકબાલખાન મલેક પોતાના પિતા રહેમતખાન રાસાજી મલેક સાથે બજાણા દૂધની ડેરી પાસે આવેલી હોટલમાં ઊભા હતા. ત્‍યારે કામલપુર ગામના હનીફખાન હબીબખાન મલેક સહિતના ચારથી પાંચ જેટલા શખ્‍સોએ છરી સહિતના સાધનો વડે હુમલો કરી રહેમતખાન રાસાજી મલેકને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ હત્‍યાના બનાવમાં હનીફખાન હબિબખાન મલેક હાલ જેલમાં છે. ત્‍યારે આજે હનીફખાન મલેકના પિતા હબીબખાન સાહેબખાન મલેક અને એમના પત્‍ની સામબાઇ બાઇક લઇને કામલપુર જઇ રહ્યાં હતા. ત્‍યારે બજાણા રેલ્‍વેફાટક પાસે અગાઉથી પ્‍લાન બનાવીને ઉભેલા ચારથી પાંચ શખ્‍સોએ ધારીયા અને ધોકા વડે હુમલો કર્યો હતો. ઘાયલ દંપતિને ગંભીર હાલતમાં સારવાર અર્થે પાટડી સરકારી દવાખાને લઇ જવાતા હબીબખાન સાહેબખાન મલકેનું સારવાર દરમિયાન કમકમાટીભર્યુ મોત નિપજયું હતુ. અને ઘાયલ શામબાઇને રીફર કરાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીઓએ હુમલાનો સમગ્ર વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પણ વાયરલ કર્યો છે.

આ ઘટનાની જાણ થતા બજાણા પીએસઆઇ વી.બી.કલોતરા,મનીશભાઇ અઘારા સહિતના પોલિસ સ્‍ટાફે પાટડી સરકારી દવાખાને દોડી જઇ લાશને પોસ્‍ટ મોર્ટમ માટે મોકલી આપી આરોપીઓને ઝબ્‍બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. હત્‍યા અંગેના આરોપીઓમાં સલીમ અશરફખાન મલેક કામલપુર, ઇકબાલખાન રહેમતખાન મલેક બજાણા, મહેબુબખાન માલાજી મલેક કામલપુર, અકબરખાન રહેમતખાન મલેક,બજાણા,મોઇનખાન હમીરખાન મલેક બજાણા, હનીફખાન મલેક બજાણાનો સમાવશે થાય છે.

(11:59 am IST)