Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

કપાસનું ઉત્‍પાદન ૨૦ થી ૨૫ લાખ ગાંસડી ઓછું થશેઃ કપાસીયા ખોળમાં ભેળસેળ બંધ કરવા મીલ માલિકોને અપીલ

રાજકોટમાં પૂ. અપૂર્વમુની સ્‍વામીના અધ્‍યક્ષતામાં સૌરાષ્‍ટ્ર કોટન સીડ ક્રશર્સ એસોસીએશનની ૩૨મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

રાજકોટ ખાતે યોજાયેલ સૌરાષ્‍ટ્ર અને ગુજરાતની કોટન સીડસ એસો.ની વાર્ષિક સાધારણ સભામાં ઉપરની તસ્‍વીરમાં દિપ પ્રાગટય અને ઉપસ્‍થિત મીલ માલિકો જ્‍યારે નીચેની તસ્‍વીરમાં અપૂર્વમુની સ્‍વામી તેમજ બાજુમાં એન.કે. પ્રોટીન્‍સના પ્રતિનિધિ નિરવ ઠક્કર, સૌરાષ્‍ટ્ર જીનીંગ એસો.ના પ્રમુખ ભરતભાઈ વાળા, ગુજરાત એસો.ના પ્રમુખ દેવચંદભાઈ ઠક્કર અને છેલ્લે સૌરાષ્‍ટ્ર એસો.ના પ્રમુખ નટુભાઈ પટેલ (તસ્‍વીરઃ વિજય વસાણી-આટકોટ)

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૮ :. સૌરાષ્‍ટ્ર કોટન સીડ ક્રશર્સ એસોસીએશનની ૩૨મી અને ગુજરાત એસો.ની ૨૧મી વાર્ષિક સાધારણ સભા રાજકોટ ખાતે યોજાઈ હતી. જેમાં આ વર્ષે કપાસની ૨૦ થી ૨૫ લાખ ગાંસડી ઓછી થશે તેવો વર્તારો મુકવામાં આવ્‍યો હતો. તેમજ કપાસિયા ખોળમાં ભેળસેળ બંધ કરવા વકતાઓએ મીલ માલિકોને અનુરોધ કર્યો હતો.

રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે સંપન્‍ન થયેલ આ વાર્ષિક સાધારણ સભાની વિશેષતા એ છે કે, સૌરાષ્‍ટ્ર અને ગુજરાત એસોસીએશનની સંયુકત બેઠક એક સાથે પ્રથમ વખત મળી હોય મોટી સંખ્‍યામાં કપાસિયા તેલની મીલોના માલિકો અને જીનર્સો ઉપસ્‍થિત રહ્યા હતા.

પ્રારંભમાં સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાયા બાદ ઉપસ્‍થિત હોદેદારો અને રાજકોટ સ્‍વામીનારાયણ મંદિરના અપૂર્વમુની દ્વારા દિપ પ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો.

સ્‍વાગત પ્રવચન બાદ અપૂર્વમુનિ સ્‍વામીએ ચોટદાર વકતવ્‍ય આપતા જણાવ્‍યું હતુ કે આજે આપણે શિક્ષણનું મૂલ્‍ય વધારતા ગયા ત્‍યારે મૂલ્‍યનું શિક્ષણ ઘટાડતા જાઈએ છીએ. માનવીનું મૂલ્‍ય તેના આભૂષણોથી નહીં તેના કર્મોથી નક્કી થાય છે. દરેક માનવીનુ જીવન સરખું જ હોય છે પરંતુ અમુક માણસને જીવતા જ નથી આવડતું.

તેમણે જણાવ્‍યુ હતુ કે આપણે મંગળ ઉપર પાણી શોધવાના પ્રયાસો કરીએ છીએ પરંતુ પરિવારના સભ્‍યોની આંખોમાં આવતા પાણી બંધ કરવાનું ક્‍યારેય વિચારતા જ નથી. માણસ પાસે પૈસા ન હોય તો એ ફાટેલા કપડા પહેરે છે. આજે આબરૂ નથી તેઓ ફાટેલા કપડા પહેરે છે. તેમણે ભારતને ઉંચી આયામ પર પહોંચાડવા સૌએ સહિયારો પુરૂષાર્થ કરવા અનુરોધ કર્યો હતો.

અંતમાં તેમણે જણાવ્‍યુ હતુ કે, તમારા ધંધામાં અજવાળુ હોય અને ઘરે અંધારૂ હોય તે યોગ્‍ય નથી. સૂર્ય ગમે તેટલો પ્રકાશીત ભલે હોય પરંતુ તેની આડે વાદળુ આવે તો તેનો પ્રકાશ ઝાંખો પડે છે તેમ ધંધામાં પણ ક્‍યારેક મંદી કે કટોકટી આવે તો ધીરજ રાખવી.

સૌરાષ્‍ટ્ર કોટન સીડ્‍સ એસોસીએશનના પ્રમુખ નટુભાઈ પટેલે જણાવ્‍યુ હતુ કે ઓણ સાલ ગુજરાતમાં વરૂણ દેવતાની કૃપા ઓછી હોય આ વર્ષે કપાસનું ઉત્‍પાદન થોડું ઓછુ રહેશે. કપાસિયાના હાલના ભાવ પ્રારંભે જ ઉંચા મથાળાના હોય વેપારમાં સમજી-વિચારી આગળ વધવા અને નફો કરવા મહેનત પણ વધુ કરવી પડશે. શરૂઆતના કપાસિયાની કવોલિટી વધુ સારી રહેશે તેમ જણાવ્‍યુ હતું.

તેજી મંદિનો વેપાર કરવામાં સમજીને આગળ વધવા અનુરોધ કર્યો હતો. દિવાળી પછી કપાસિયાના ભાવમાં ક્રમશઃ ઘટાડો થવાની શકયતાઓ દર્શાવી હતી.

તેલ વિશે તેમણે જણાવ્‍યુ હતુ કે ભારતના કુલ વપરાશના અંદાજે ૬૫ ટકા જેટલુ તેલ બહારના દેશોમાંથી આયાત કરવુ પડતુ હોય તેલની બજાર વૈશ્વિક ફલક ઉપર નિર્ભર રહેશે.

ગુજરાત એસો.ના પ્રમુખ દેવચંદભાઈ ઠક્કરે જણાવ્‍યુ હતુ કે વેપાર તો મહાદેવનો ભંડાર છે જો તેમા નિતિ-મત્તા કે વિચારો અથવા તો પ્રમાણિકતા ગુમાવિશુ તો વેપારમાં વિઘ્‍ન આવ્‍યા વગર રહેશે જે નહી માટે વેપારમાં પ્રમાણિકતા રાખવા અને અમુક કપાસિયા તેલની મીલના માલિકો ખોળમાં ભેળસેળ કરતા હોય તે સદંતર બંધ કરવા અપિલ કરી હતી.

કેન્‍દ્ર સરકારની સંસ્‍થા સી.સી.આઈ. કે જે દેશભરમાંથી કપાસની ખરીદી કરી ગાંસડીઓ બાંધી સ્‍ટોક કરી કપાસિયાનું વેચાણ કરતી હોય છે. સીસીઆઈ દ્વારા વેચાતા કપાસિયામાં હવા હોય આવા કપાસિયા કોઈ મીલ માલિકે કોઈ પણ જગ્‍યાએથી ન ખરીદવા અનુરોધ કર્યો હતો જો કે તેમણે જણાવ્‍યુ હતુ કે આ મુશ્‍કેલી અંગે અમે સીસીઆઈના ઉચ્‍ચ અધિકારીઓને લેખીતમાં ધ્‍યાન દોર્યુ છે અને તેમણે યોગ્‍ય કરવાની ખાત્રી પણ આપી છે.

રાજા ઈન્‍ડસ્‍ટ્રીઝ કડીના માલિક દીલીપભાઈ પટેલ કે જેઓ આ ધંધામાં ભારે ફાવટ ધરાવે છે તેમણે આ વર્ષનો વર્તારો આપતા જણાવ્‍યુ હતુ કે આ વર્ષે ૨૦ થી ૨૫ લાખ ગાંસડીનું ઉત્‍પાદન ઓછુ થશે જે મોટેભાગે ગુજરાત અને મહારાષ્‍ટ્રમાંથી જ હશે.

આ વર્ષે નોર્થ ભારતમાં તો ૧૦ લાખ જેટલી ગાંસડીનું ઉત્‍પાદન વધારે થવાની પણ તેમણે સંભાવના દર્શાવી હતી.

જો કે દેશમાં ખરેખર કેટલો પાક થવાનો છે તેનો અંદાજ ક્‍યારે કોઈની પાસે સાચો હોતો જ નથી તેમ પણ જણાવ્‍યુ હતું.

અંતમાં તેમણે અમુક મીલ માલિકો ખોળમાં મીલાવટ કરી વેંચાણ કરતા હોય તેમણે મીલાવટ બંધ કરવા અપીલ કરી હતી.

આ પ્રસંગે ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્‍ય પ્રહલાદભાઈ પટેલે પણ પ્રાસંગીક પ્રવચન કર્યુ હતું. તેમજ મહેસાણાથી આવેલા મીરા એન્‍ટરપ્રાઈઝના ઝરણાબેન પટેલ અને લકીરભાઈ પટેલે પશુઓનો ખવડાવવામાં આવતા ખોળમાં ૧૦૦ ટકા ઓર્ગેનીક બફર નામના પાવડર આપવાથી ખોરાક, આરોગ્‍ય અને દૂધના ઉત્‍પાદન અને ફેટમાં વધારો થવાનું માર્ગદર્શન આપ્‍યુ હતું.

અંતમાં આભારવિધિ સહમંત્રી રફિકભાઈએ કરી હતી.

આ પ્રસંગે સૌરાષ્‍ટ્ર જીનીંગ એસો.ના પ્રમુખ ભરતભાઈ વાળા, દિલીપભાઈ પટેલ, મીરા એન્‍ટરપ્રાઈઝના ડીરેકટર ઝરનાબેન પટેલ, લકીરભાઈ અમીન, એન.કે. પ્રોટીન્‍સના પ્રતિનિધિ નિરવ ઠક્કર તેમજ સૌરાષ્‍ટ્ર-ગુજરાત એસો.ના હોદેદારો અને ગુજરાતભરમાંથી મિલ માલિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

વેપાર કરોડોમાં કરો પરંતુ ખોળમાં મીલાવટ ન કરોઃ દેવચંદભાઈ ઠક્કર

આટકોટ, તા. ૮ :. રાજકોટ ખાતે યોજાયેલ સૌરાષ્‍ટ્ર અને ગુજરાત કોટન સીડસ ક્રશર એસો.ની વાર્ષિક સાધારણ સભામાં અપૂર્વમુની સ્‍વામી, ગુજરાત એસો.ના પ્રમુખ દેવચંદભાઈ ઠકકર અને દિલીપભાઈ પટેલે ઉપસ્‍થિત ઓઈલ મીલમાંથી અમુક મીલ માલિકો પશુઓને ન ખવડાવી શકાય તેવી વસ્‍તુ ખોળમાં નાંખી મીલાવટ કરતા હોય તે બંધ કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે અપૂર્વમુની સ્‍વામીએ કહ્યુ હતુ કે ગીર ગાયને બચાવવાને બદલે વધુ દુધ આપતી જરસી ગાયને બચાવો છો તે ન કરવા અપીલ કરી હતી.તેમણે જણાવ્‍યુ હતુ કે, અમુક મીલ માલિકો પશુને ક્‍યારે ન ખવડાવી શકાય તેવી વસ્‍તુ ખોળમાં ભેળવી મોટુ પાપ કરે છે તે બંધ કરવા અપીલ કરી હતી. જો તમે મુંગા પશુઓને પણ મીલાવટવાળો ખોળ ખવડાવશો તો તમારે પણ એ જ દુધ પીવાનુ છે તે પણ મીલાવટવાળુ જ હશે. પ્રમાણિકતાથી અને પવિત્રતાથી આગળ વધવા અનુરોધ કર્યો હતો.  ગુજરાત એસો.ના પ્રમુખ દેવચંદભાઈ ઠક્કરે પણ કહ્યુ હતુ કે વેપાર લાખોમાં કે કરોડોમાં ભલે કરો પણ ખોળમાં હવે મીલાવટ ન કરશો.

દિલીપભાઈ પટેલે પણ અપીલ કરી હતી કે આજે આપણે સંકલ્‍પ કરીએ કે જે લોકો ખોળમાં મીલાવટ કરે છે તે હવે નહી કરે.

જો કે તેમણે કહ્યુ હતુ કે છેલ્લા બે વર્ષથી મીલાવટ કરતા મીલ માલિકોએ મોટે ભાગે મીલાવટ બંધ કરી છે હવે અમુક લોકો જ કરતા હોય તે બંધ કરવા અનુરોધ કર્યો હતો.

(11:23 am IST)