Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

બુધવારથી સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં નવલા નોરતાનો પ્રારંભ

પ્રાચીન - અર્વાચીન રાસોત્‍સવની નવદિવસ રંગત જામશે : અનુષ્‍ઠાન કરીને ભાવિકો આરાધના કરશે

રાજકોટ તા.૮ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં બુધવારથી નવલા નોરતાનો પ્રારંભ થશે અને નવ દિવસ સુધી પ્રાચીન અર્વાચીન રાસ ગરબાની રમઝટ જામશે.

નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના માટે ભાવિકો દ્વારા અનુષ્‍ઠાન પણ કરવામાં આવશે.

ધોરાજી

ધોરાજી : નવરાત્રીમાં ભકતો દ્વારા ગરબામાં દિપ પ્રગટાવીને માતાજીની આરાધના કરે છે અને એ પૂર્વ હાલ ધોરાજીના વયોવૃધ્‍ધ કુંભાર આ ગરબા બનાવાની પોતાની કળાને જીવીત રાખી છે. તેઓ છેલ્લા ૫૦ વર્ષથી માટીના આબેહુબ ગરબા બનાવે છે. જેમાં માટીને ર દિવસ પલાળી પછી ચાકડે માટી મૂકી ગરબાનું નિર્માણ કરી તેને પકાવી કળા કરી લોકોને નવરાત્રીમાં માની આરાધના માટે ગરબાઓ વેચે છે અને તેમાં પણ મંદીનું ગ્રહણ છે પણ તેની કળા અદભૂત છે.

જામનગર

જામનગર : જય જલિયાણ મહિલા ઉત્‍કર્ષ મંડળ દ્વારા લોહાણા જ્ઞાતિના બહેનો તથા બાળકો માટે માં આદ્યશકિત આરાધનાના પર્વની ઉજવણી કરવાનુ આયોજન કરેલ હોય બહેનો બાળકોને ઉજવણીમાં સહભાગી થવા મંડળ પ્રમુખ ડો.રક્ષા દાવડા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

વધુ માહિતી માટે ડો.રક્ષા દાવડા મો. ૯૯૨૫૧ ૮૯૦૮૪, ભારતીબેન ચાંદ્રાણી મો. ૯૪૨૯૮ ૭૮૮૦૯, રીટાબેન રાચ્‍છ મો. ૯૪૨૮૨ ૧૫૭૭૫નો સંપર્ક કરવો. નયત્રી મહોત્‍સવ તા.૧૦ થી તા. ૧૮ સુધી શ્રી જામનગર લોહાણા મહાજનવાડી પંચેશ્વર ટાવર ખાતે યોજાશે.

જસદણ

જસદણ : નવરાત્રીને બે દિવસની વાર છે ત્‍યારે આ તહેવારને અનુલક્ષીને કાર્યકરોએ અત્‍યારથી જ શરૂઆત કરી દીધી છે. દરેક વિસ્‍તારોમાં ગરબીઓ યોજાય છે. ત્‍યારે નવરાત્રીને વધાવવા માટે કાર્યકરોમાં થનગનાટ પ્રવર્તી રહ્યો છે.

જૂનાગઢ

જૂનાગઢ : વર્ષોની પરંપરાઓ મુજબ આ વર્ષે પણ આસો નોરતા (નવરાત્રી) શ્રી વાઘેશ્વરી માતાજીના દર્શનાર્થીઓ માટે તા.૧૦ થી ૧૯ સુધી ધામધૂમથી ઉજવવામાં આવશે.

મંદિરનો સમય સવારે પ વાગ્‍યાથી રાત્રીના ૧૦-૩૦ સુધી રહેશે. જેમાં સવારે મંગળા આરતી ૬-૧૫ મીનીટે, શણગાર આરતી ૮-૧૫ મીનીટે તથા શયન આરતી સાંજે ૭-૧૫ મીનીટે રહેશે અને મંદિર બપોરે ૧ થી ૩ વાગ્‍યા સુધી દર્શન બંધ રહેશે.

આઠમનો યજ્ઞ તા.૧૭-૧૦-૨૦૧૮ બુધવારના રોજ છે તેનુ બીડુ હોમવાનો સમય સાંજે પ - ૩૦ કલાકે રહેશે.

તે જ રીતે ઉપલા વાઘેશ્વરી મંદિર પણ સવારના પ વાગ્‍યાથી રાત્રીના ૯ વાગ્‍યા સુધી ખુલ્લુ રહેશે. તેની મંગળા આરતી ૬-૪૫ મીનીટે, શણગાર આરતી ૭-૪૫ મીનીટે તથા શયન આરતી સાંજે ૬-૪૫ મીનીટે થશે તથા આઠમ યજ્ઞ તા. ૧૭-૧૦-૨૦૧૮ બુધવાર બીડુ હોમવાનો સમય બપોરે ૧૨ કલાકે રહેશે તો ધર્મપ્રેમી જનતાએ દર્શનનો લાભ લેવા વિનંતી તો નવરાત્રીમાં અને અષ્‍ટમીના યજ્ઞમાં હાજરી આપવા માયભકતોને તથા દર્શનાર્થીઓને શ્રી વાઘેશ્વરી માતાજી મંદિરના ટ્રસ્‍ટીશ્રીઓ મુકેશભાઇ રાજપરા, રમીલાબેન વડીયા તથા વિજયભાઇ કિકાણી દર્શનનો લાભ લેવા આમંત્રણ પાઠવ્‍યુ છે.

જૂનાગઢ

જૂનાગઢ : સંગીતના તાલે અદ્યતન ડી.જે.સિસ્‍ટમના સથવારે શ્રી સોરઠીયા પ્રજાપતિ સમાજ મધુરમ ટીંબાવાડી બાંધકામના લાભાર્થે આ ભવ્‍યાતિ ભવ્‍ય રાસોત્‍સવનું આયોજન કરેલ છે.

આગામી દિવસોમાં વરસાદી વાતાવરણને ધ્‍યાનમાં રાખી બેઠક તથા ખેલૈયાઓ માટે વોટરપ્રુફ ડોમની વ્‍યવસ્‍થા રાખેલ છે. જેથી ઉત્‍સાહમાં, ઉમંગમાં મા શકિતની આરાધનામાં કોઇ વિક્ષેપ ન પડે તો જૂનાગઢ શહેરમાં વસતા શ્રી સોરઠીયા પ્રજાપતિ સમાજ સહપરિવાર આ રાસોત્‍સવનો લાભ લેવા આનંદ માણવા પધારે. જ્ઞાતિજનો માટે પ્રવેશ ફી બિલકુલ નિઃશુલ્‍ક રખાયેલ છે.

આ રાસોત્‍સવમાં ખેલૈયાઓનો ઉત્‍સાહ વધે અને વધુમાં વધુ ખેલૈયાઓ પોતાનુ કૌશલ્‍ય દર્શાવે તે હેતુથી ફાઇનલ કિંગ તથા કિવનને ૨૪ ઇંચ એલઇડી ટીવી ઇનામ રૂપે આપવામાં આવશે. સાથે સાથે રનર્સઅપ અને બધાજ વિનર ખેલૈયાઓને ઉત્‍સાહપ્રેરક ઇનામ આપી પ્રોત્‍સાહીત કરવામાં આવશે. તો આવો આપણે સૌ જ્ઞાતિબંધુઓ સાથે મળી જ્ઞાતિ વિકાસના કાર્યમાં સહભાગી બનીએ. એન્‍ટ્રી ફ્રી ફ્રી ફ્રી ગ્રાન્‍ડ ફીનાલે તા. ૧૯ના રોજ રાસોત્‍સવ સ્‍થળ શ્રીજી ફાર્મ, ઝાંઝરડા ચોકડીની બાજુમાં એલપીજી પંપ આગળ જલારામ મંદિર સામે બાયપાસ રોડ મો. ૯૫૭૪૧ ૦૭૨૨૬, ૯૫૧૦૩ ૧૮૯૬૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

 

(11:18 am IST)