Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

અમરેલીમાં કોંગ્રેસ શાસીત પાલિકા સામે જ પરેશભાઇ ધાનાણીની આંદોલનની ચિમકી

રસ્‍તોઓ તોડી નંખાયા બાદ નવા ન બનતા આક્રોશ

અમરેલી તા. ૮ : અમરેલીમાં ભુગર્ભ ગટર લાઇનનાં કામના કારણે ઠેર-ઠેર ખોદવામાં આવેલ મુખ્‍ય માર્ગો નવરાત્રી પહેલા તાત્‍કાલીક રીપેર કરવા વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી દ્વારા રજૂઆત કરીને આંદોલનની ચિમકી આપતા રાજકીય ગરમાવો વ્‍યાપી ગયો છે. કારણ કે કોંગ્રેસના નેતાએ કોંગ્રેસ શાસીત પાલિકા સામે આંદોલનની ચિમકી આપી છે.

વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી દ્વારા જણાવાયું છે કે, અમરેલી શહેરની સોસાયટીઓનાં મુખ્‍ય માર્ગો ખોદી નાખવામાં આવ્‍યા છે. જેના કારણે આ રસ્‍તાઓ બિસ્‍માર બની ગયા છે.

અમરેલીમાં તમામ માર્ગો તોડી નાખવામાં આવ્‍યા છે. અને તૂટેલા માર્ગો ઉપર ધુળની ડમરીઓ ઉડી રહી છે.

નવરાત્રી-દિવાળીના તહેવાર સમયે જ આ માર્ગોની બિસ્‍માર હાલતથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. અને રસ્‍તાઓ રિપેર ન થાય તો વિરોધ પક્ષનાં નેતા પરેશભાઇ ધાનાણીએ આંદોલનની ચિમકી આપી છે.

આ અંગે અમરેલી પાલિકાના પ્રમુખ જયંતીભાઇ રાણવાએ જણાવ્‍યુ હતું કે, અમરેલીમાં તૂટેલા માર્ગોની મરામત માટે રૂા. પ કરોડની ગ્રાન્‍ટ ફાળવવામાં આવી છે અને પાલિકાની સામાન્‍ય સભામાં આ કામોની મંજૂરી આપી દેવામાં આવી હોવાથી ટૂંક સમયમાં જ રસ્‍તાના મરામતની કામગીરી શરૂ કરાશે.

  ત્‍યારે અમરેલી પાલિકામાં કોંગ્રેસ દ્વારા ૪૪ માંથી ૩પ સદસ્‍યોને ચૂંટણીમાં વિજય     અપાવીને સત્તા સ્‍થાને બેસાડયા છે.  પરંતુ તેઓનો કન્‍ટ્રોલ ન હોવાથી આંદોલનની ચિમકી આપવામાં આવી હોવાનું ચર્ચાય રહ્યું છે.

અમરેલીની જનતા તમારી સાથે આંદોલનમાં   જોડાઇ જાય તો આંદોલન કરવાનું કોની સામે ? કોંગ્રેસ     શાસીત નગરપાલિકાની ટીમ સામે ? તેવા પ્રશ્નોએ જોર પકડયુ છે.

(9:49 am IST)