Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

બ્રિજેશ મેરજા- મનોજ રાઠોડ સહિતના આગેવાનો- કાર્યકરોની ઉપસ્થિતિ

ખેડુતોના દેવા માફ કરોની માંગ સાથે મોરબી જિલ્લામાં કોંગ્રેસના ધરણાં: ૧૨ મુદ્દાઓ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર

રાજકોટ,તા.૮: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૂચના અનુસાર મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડુતોના દેવા માફ કરો અને લોકશાહીનુ સ્થાપન કરો તેમજ હાર્દિક પટેલના ઉપવાસ અને માગણીને સમર્થનમા ૨૪ કલાકના પ્રતિક ઉપવાસના રાજય કક્ષાના કાર્યક્રમ મુજબ મોરબી જિલ્લામાં પણ કોંગ્રેસના જિલ્લા પ્રભારી  મનોજભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં  સવારે ૨૪ કલાકના ધરણાંનો કાર્યક્રમ યોજાએલ   શહેરની સુપર માર્કેટની બાજુમાં આશાપુરા ટાવરની બાજુમાં યોજાયેલા આ અનશન આંદોલનમાં  મોરબી જિલ્લા  પ્રભારી મનોજ રાઠોડ ઉપરાંત મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય  મુકેશ ભાઈ ગામી  સહિતના  મોરબી જિલ્લા કોંગ્રેસના હોદેદારો,આગેવાનો અને કાર્યકરોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને જિલ્લા  કલેકટરને વિવિધ ૧૨ મુદ્દાનું આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

છેલ્લા અઢી દાયકાથી ગુજરાત અને દેશના ખેડૂતોની આર્થિક હાલત કથળતી જાય છે. વંશ પરંપરાગત ખેતીની જમીન ઓછી થવાથી અને ખેત ઉપજના પૂરા ભાવ નહીં મળવાના કારણે અને માનવ સર્જિત સમસ્યાનો ભોગ બનવાના કારણે ગામડું, ખેડૂત અને ખેતી ભાંગી રહ્યા છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ દેશની આર્થિક ઉન્નતિ માટે ગામડાને સમૃદ્ઘ બનાવવાની વાત કરી હતી. પણ કેન્દ્ર અને રાજયની ભાજપ સરકાર પૂજય બાપુની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીમાં ગામડા અને ખેડૂતોનું હિત ભૂલી ગયા હોય તેમ ખેડૂતોને સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોના હિત માટે થતાં આંદોલનો કચડી નાખવાનો પ્રયાસ કરી લોકશાહીનું વસ્ત્રાહરણ  કરવામાં આવી રહ્યું છે. ત્યારે ખેડૂતોની વ્યાજબી માગણી સરકાર સ્વીકારે તેવી માગણી સાથે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના અને માર્ગદર્શન મુજબ  રાજયભરમાં ખેડૂતોના હિતમાં  ૨૪ કલાકના ઉપવાસ આંદોલનનો પ્રારભ કરાયો છે.

મનોજ રાઠોડની આગેવાનીમાં જિલ્લા કલેકટરને અપાયેલા આવેદનપત્રમાં ખેડૂતોના દેવા માફ કરવા,ખાતર પરના વેરા માફ કરવા,ખેતીની પૂરતી સુવિધા આપવા,ખેત પેદાશો માટે પોષણક્ષમ ભાવે ખરીદીની વ્યવસ્થા કરવા,પાક વીમાની ચુકવણી કરવા,ખેડૂતોને વ્યાજબી ભાવે બિયારણ, ખાતર અને જંતુનાશક દવા મળી રહે તેવી વ્યવસ્થા કરવા,ખેડૂતો પરના અત્યાચાર બંધ કરવા સહિતના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા.(૩૦.૬)

(4:25 pm IST)