Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ગુજરાતને હરિયાળુ બનાવી શ્વેતક્રાંતિ માટે ખેડૂતો ખેતી ના છોડેઃ રાણપરીયાની અપીલ

રાયડી દુધ ઉત્પાદક સહકારી મંડળીની સભા સંપન્નઃ મહિલાઓનું સન્માન

 

રાયડી દુધ ઉત્પાદક સહકારી મંડળી લી.ની વાર્ષિક સાધારણ સભામાં મહિલાઓનું સન્માન કરાયેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ કિશોર રાઠોડ ધોરાજી)

ધોરાજી તા. ૮: ધોરાજી જામકંડોરણા વચ્ચે આવેલ રાયડી ગામ ખાતે રાયડી દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. ની વાર્ષિક સાધારણ સભા રાજકોટ જીલ્લા ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ.

આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી ગોવિંદભાઇ રાણપરીયાએ જણાવેલ કે જો ગુજરાતને હરીયાળુ અને શ્વેતક્રાંતિ લાવવી હશે તો ખેડુતો પોતાની ખેતી ના છોડે જે ખેડુતોએ ખેતી છોડી જમીનો વહેંચી નાખી છે એ ખેડુતોનું ભવિષ્ય અંધારમય બની ગયું છે અને વધુમાં વધુ ખેડુતો ખેતીની સાથે પશુપાલનનો ધંધો પણ કરે જેમાં ભવિષ્ય ઉજળુ છે.

ગુજરાત એગ્રી. ડે. ડાયરેકટર પી. બી. ખીસ્તરીયા એ દુધ ઉત્પાદકોને બીરદાવતા જણાવેલ કે જે રીતે ગુજરાતમાં પશુ પાલનનો વ્યવસાય ચાલે છે એ રીતે સૌરાષ્ટ્રમાં ઘણાંજ ઓછા માટે ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય વધારે જે અંગે વિસ્તૃત માહિતી આપેલ હતી.

આ સાથે મંડળીના પ્રમુખ શામજીભાઇ દેશાઇએ મંડળી મારફતે દુધ ભરતા ગ્રાહકોને આપવામાં આવતી આર્થીક સહાયની વિગત આપેલ હતી અને બહેનોને બીરદાવેલ હતી.

આ તકે જામકંડોરણા માર્કેટીંગ યાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઇ બોદર જામકંડોરણાના સરપંચ જસમતભાઇ કોયાણી, રાજકોટ ડેરીના સુરેશભાઇ દેત્રોજા-આરડીસી બેંકના ઉંધાડભાઇ, જીલ્લા સહકારી આગેવાન જે. ડી. બાલધા, કિશોરભાઇ રાઠોડ, ભરતભાઇ બગડા વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા.

આ તકે રાયડી દુધ ઉત્પાદક સહકારી મંડળીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર દુધ ઉત્પાદક મહિલાઓનું ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા અને શામજીભાઇ દેશાઇ હસ્તે સન્માન કરાયું હતું. (૭.૧૮)

 

(12:25 pm IST)