Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

કાલે શ્રાવણ મહિનાનો છેલ્લો દિ': ભાદરવી અમાસ

પ્રાચી, પ્રભાસ પાટણ, ભાવનગર, નિષ્કલંક મહાદેવ, જુનાગઢ દામોદર કુંડ સહિતના સ્થળોએ લોકો ઉમટશે

રાજકોટ તા. ૮ :.. કાલે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે. કાલે મોટી સંખ્યામાં ભાવિકો શિવાલયોમાં ઉમટશે અને પૂજન, અર્ચનમાં જોડાશે.

કાલે શ્રાવણ મહિનાનાં અંતિમ દિવસને ભાદરવી અમાસ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે જુનાગઢના દામોદર કુંડ, ઉપરાંત પ્રાંચી, પ્રભાસ પાટણ, ભાવનગરનાં નિષ્કલંક મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે.

શિવ ભકિતની આરાધનાનો પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહૂતિ શ્રાવણી અમાસ અને રવિવારે ૯ સપ્ટેમ્બરના દિવસે થશે. આ દિવસે શ્રાવણી અનુષ્ઠાન પૂજા સહિતનું પણ શ્રધ્ધાળુઓ સમાપન કરનાર હોય તેથી શ્રાવણી અમાસનું અનેરૂ મહાત્મય છે.

અમાસના દિવસે બપોરે ર.૪૬ સુધી સિધ્ધયોગ છે. જે પિતૃકાર્ય તથા જપ પુજા માટે શ્રેષ્ઠ છે. તથા શ્રાવણ માસની અમાસને પીઠોરી અમાસ પણ કહે છે. અમાસના દિવસે ઉપવાસ રહેવો તથા મહાદેવજીની અને પાર્વતીજીની વિધિવત પૂજા કરવી. મહાદેવજીને દૂધ, જળ, કાળા તલ અને બિલીપત્ર ચડાવવા તથા વસ્ત્ર અર્પણ કરવા પાર્વતીજીની પૂજા કરવી માતાજીને કંકુચોખા કરી ફુલ ચડાવી ત્યારબાદ વસ્ત્ર અલંકાર અર્પણ કરી શકાય તથા ઓમ નમઃ શિવાયની ર૧ માળા કરી મહાદેવજીને તથા પિતૃને અર્પણ કરવી પિતૃને મોક્ષગતિ મળે છે. શ્રાવણ માસની અમાસના દિવસે સિધ્ધયોગ હોવાથી આ દિવસ પિતૃતર્પણ તથા પિતૃકાર્ય માટે ઉત્તમ દિવસ છે તથા આ દિવસ આરાવારાનો દિવસ હોવાથી પીપળે પિતૃને પાણી રેડી અને ૧૦૮ પીપળાની પ્રદક્ષિણા ફરવી પણ શુભ છે.

શ્રાવણ માસની અમાસના દિવસે પણ ગાયનું પૂજન અને પ્રદક્ષિણા ફરવાનો મહિમા છે. શ્રાવણ માસની અમાસના દિવસે મહાદેવજીને કાળા તલ ચડાવાથી રાહુ ગ્રહની પીડા હોય તો શાંતિ મળે છે. તથા સૂર્ય નબળો હોય તો સૂર્ય ને અર્દ્ય આપવુ તથા ઘઉનું દાન દેવું.

શનિ નબળો હોય પનોતી ચાલતી હોય તો અમાસના દિવસે મહાદેવજી ઉપર તથા હનુમાનજી ઉપર સરસવના તેલનો અભિષેક કરવાથી રાહત મળે છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા ઉત્તમ છે.

જુનાગઢઃ દામોદર કુંડ

જુનાગઢ :    જૂનાગઢ શહેર ખાતે ભવનાથ તળેટી મુકામે દામોદરકુંડ ખાતે ચાલુ વર્ષે ૯મી સપ્ટેમ્બરે ભાદરવી અમાસ તહેવાર સબબ ઉજવણી થનાર હોય, આ તહેવારમાં દામોદરકુંડમાં યાત્રાળુઓ સ્નાન કરી પાણી રેડવા બહોળી સંખ્યામાં આવનાર હોય, કાયદો વ્યવસ્થા અને ટ્રાફીક નિયમન જળવાઇ રહે તે માટે જૂનાગઢ પોલીસ અધિક્ષકશ્રી દ્વારા ભવનાથ જતા માર્ગને એકમાર્ગીય જાહેર કરવા દરખાસ્ત થતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડી.કે.બારીઆને દરખાસ્ત વ્યાજબી જણાતા તેમને મળેલ ગુજરાત પોલીસ અધિનીયમ ૧૯૫૧નાં આંક-૨૨ની કલમ-૩૩(૧)(બી)નાં અધિકારની રૂઇએ તા. ૮-૯-૨૦૧૮નાં સાંજનાં ૨૦-૦૦ કલાકથી તા. ૯-૯-૧૮નાં ૧૭-૦૦ કલાક સુધી જૂનાગઢ શહેરમાંથી સ્મશાન સુધી જવા  માટે ભરડાવાથી સ્મશાન સુધી વાહન જઇ શકશે, સ્મશાન થી જૂનાગઢ શહેર તરફ આવવા માટે સ્મશાનથી ગીરનાર દરવાજા સુધી વાહનો પરત આવી શકશે આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત મુંબઇ પોલીસ અધિનિયમ ૧૯૫૧ના આંક -૨૨ ની કલમ-૧૩૧ માં જણાવેલ શિક્ષાને પાત્ર ઠરશે. 

ભાવનગર

ભાવનગર : તળાજા તાલુકાના દરિયા કિનારે આવેલ ગોપનાથ અને પાદરી ગો ખાતે આવેલ શિવ મંદિરના સાનિધ્ય તથા ટીમણા નજીક આવેલ ત્રિવેણી ખાતે ભાદરવી અમાસનો ભાતીગળ મેળો ભરાશે. તળાજા તળાજી નદી કાંઠે આવેલ ભીડ ભંજન મહાદેવના મેદાનમાં આવેલ પીપળે શ્રધ્ધાળુંઓ પાણી રેડશે.

ચૈત્રના ચુકયયા ભાદરવીએ ભેળા થશું તેવી કહેવત તળાજા પંથકમાં છે. ભેશ વેચીને પણ એક સમયે ગ્રામ્ય પંથકમાં મેળો કરવો તેવી વાત આજ પણ ભાદરવી અમાસ આવતા લોકો પાસેથી સાંભળવા મળે છે.

તાલુકાના સુપ્રસિદ્ધ ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં દરિયા કિનારે વહેલી સવારથી ભાદરવીનો મેળો ભરાાય છે. બે દસકા પહેલા આગલી રાત્રીથીજ મેળાનો પ્રારંભ થતો હતો. જેમાં રસ્તા ના ઉચડી પીઠલપુર અને ગોપનાથ ખાતે બહેનો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવાતી હતી. એ નિહાળવો પણ એક લ્હાવો હતો.

પાદરી ગામ નજીક આવેલ દરિયાની અંદર આવેલ ભદ્રેસ્વર મહાદેવની ખુલી શિવલિંગ આવેલ છે. સાથે કિનારે સિધેશ્વર મહાદેવનું શિવાલય આવેલું છે. અહીં ભકતજનો દ્વારા સવારે શ્રી સત્ય નારાયણ ભગવાનની કથા કરવામાં આવે છે. આસપાસના ગામના લોકો પ્રસાદ કથાનો લાભ લે છે. યુવાનો દ્વારા દરિયાના પટમાં વિવિધ પ્રકારની રમતો રમવામાં આવે છે. તેને નિહાળવા લોકો ઉમટે છે. બપોર સુધી અહીંં મેળાની રંગત જામે છે.

ટીમાના નજીક ત્રિવેણી ખાતે મેળો ભરાય છે. તળાજા શહેરમાં તળાજી નદી કાંઠે આવેલ ભીડ ભંજન મહાદેવના સાનિધ્યમાં આવેલ પીપળા, બોરડી અને નાગદેવતાને પિતૃ દેવતાને પાણી ચડાવવાના આશયથી પાણી ચડાવવા અનેક પરિવારો ઉમટી પડે છે. (પ-૧૦)

(12:23 pm IST)