Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

કાલે ભાવનગરના નિષ્કલંક મહાદેવ મંદિરે મેળોઃ અઢીથી ૩ લાખની મેદની ઉમટશે

ભાવનગર તા. ૮ :.. મહાભારતના યુધ્ધમાં થયેલી હિંસાથી વ્યથિત થયેલા પાંડવોએ પોતાના પર લાગેલા આ પાપના કલંક નિવારણ માટે સમગ્ર ભારત વર્ષની તીર્થયાત્રા કરી હતી. એવી લોકવાયકા છે કે યાત્રાના પ્રારંભ પૂર્વે એક કાળો ધ્વજ અને કુંવારી ગાય સાથે લઇને નીકળેલા પાંડવોને એવું સુચવાયેલું કે જયાં કાળો ધ્વજ સફેદ થાય અને કુંવારી ગાય, દૂધ આપે તે સ્થળે તમારા કલંકનું નિવારણ થશે. ભાવનગર જિલ્લાના કોળીયાક ગામ પાસે આવેલ નિષ્કલંક મહાદેવ એ સ્થાન હોવાની માન્યતા છે જયાં પાંડવોની આ અપેક્ષાઓ પુર્ણ થતાં ત્યાં શિવલીંગની સ્થાપના કરવામાં આવી, લોક બોલીમાં તેને નકલંક મહાદેવ તરીકે પણ ઓળખાય છે.

પ્રતિ વર્ષે શ્રાવણ વદ ચૌદશ અને અમાસ (ભાદરવી અમાસ) ના દિવસોએ અહીં વિશાળ લોક મેળો ભરાય છે. ભાદરવી અમાસની વહેલી સવારે સમુદ્રના પાણીમાં  ઓટ આવતા જ નિષ્કલંક મહાદેવના દર્શન કરવાનો મહિમા હોવાથી ભાવિકો મોટી સંખ્યામાં આગલી સાંજ થી જ આવીને આખી રાત મેળાની મોજ માણે છે. સામાન્ય રીતે આ મેળામાં અઢીથી ત્રણ લાખ લોકો આવતા હોય છે.

નિષ્કલંક મહાદેવ નજીક કોળીયાકના દરીયામાં સમુદ્ર જળમાં ખતરનાક વમળો વાળો પ્રવાહ વહે છે અને તે આ પ્રકારનો વિશ્વનો બીજા ક્રમનો ભયંકર કરંટ હોવાનું સમુદ્ર વિજ્ઞાનના અભ્યાસીઓનું માનવું છે. પચીસ વર્ષ પૂર્વે તા. ૧૩ સપ્ટેમ્બર-૧૯૭૭ ની ભાદરવી અમાસના દિવસે સ્નાનવિધીમાં અધીરા થયેલા પંદર ભાવિકો તણાઇ જવાની દુર્ઘટના પછી તંત્ર દ્વારા જડબેસલાક બંદોબસ્ત  ગોઠવવામાં આવે છે અને નિયત સમયે, નિયત સ્થળે જ ભાવિકોને સ્નાન માટે મંજૂરી આપી દુર્ઘટના નિવારવાના પ્રસંશનીય પ્રયત્ન થાય છે.

ચાલુ વર્ષે પણ ભાવનગર નજીકના કોળીયાક ગામે સમુદ્ર વચ્ચે બિરાજમાન નિષ્કલંક મહાદેવ સમક્ષ લાખો ભાવિકોનો લોકમેળો જામવાનો છે. (પ-૧૯)

(12:15 pm IST)