Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

હાર્દિક પટેલના સમર્થનમાં જામજોધપુર સજ્જડ બંધઃ ૯ની અટકાયત

સોૈરાષ્ટ્ર-કચ્છમાં ચક્કાજામ, રામધુન, આવેદન, પ્રતિક ઉપવાસ સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો

તસ્વીરમાં જામજોધપુર સજ્જડ બંધ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને અટકાયત કરાયેલા પાટીદાર યુવકો નજરે પડે છે. (તસ્વીરઃ અશોક ઠાકર, જામજોધપુર)

રાજકોટ તા.૮: ''પાસ''ના કન્વીનર અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ દ્વારા ખેડૂતોના મુદ્દે અને પાટીદાર અનામત મુદ્દે ઉપવાસ આંદોલનને સોૈરાષ્ટ્ર-કચ્છમાં ભારે સમર્થન મળ્યું છે અને જામનગર જિલ્લાનું જામજોધપુર આજે સવારથી બંધ છે. પોલીસે ૯ પાટીદારોની અટકાયત કરી હતી.

આ ઉપરાંત હાર્દિક પટેલના સમર્થનમાં રાજકોટ સહિત સોેરાષ્ટ્ર-કચ્છમાં ચક્કાજામ, રામધુન, આવેદન, પ્રતિક ઉપવાસ સહિતના કાર્યક્રમો યોજાયા છે.

જામજોધપુર

 જામજોધપુર : અમદાવાદ મુકામે ગુજરાત ''પાસ'' સમિતિના કન્વીનર હાર્દિક પટેલ પાટીદારને અનામત આપી તેમજ ખેડૂતોના દેવા માફ કરવાની માંગ સાથે ૧૪ દિવસથી ઉપવાસ પર ઉતરેલ છે. જેમને લઇને તેમના સમર્થનમાં આજ રોજ જામજોધપુર શહેરે બંધ પાડયો છે. શાળા કોલેજોમાં પણ બંધને લઇને રજા પાડી દેવામાં આવેલ છે તેમજ બપોરે ૩ થી ૪ કલાક સુધી કડવા પાટીદાર સમાજ મુકામે હાર્દિકના સ્વાસ્થ્ય સારુ રહે તે માટે ભવ્ય રામધુન રાખવામાં આવેલ છે.

ટંકારા

 ટંકારાઃ તાલુકામાં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનો જોરદાર સમર્થન મળી રહેલ છે. ગઇકાલે ટંકારા બંધ યોજાયેલ. પાટીદાર મહિલાઓ દ્વારા મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર લતીપર ચોકડી ખાતે થાળી નાદ સાથે રસ્તા રોકો આંદોલન કરાયેલ હતું.

પોલીસ તથા મહિલા પોલીસ તાત્કાલિક દોડલ ગયેલ અને વાહન વ્યવહાર પુર્વવત કરાયો હતો.

 વઢવાણ

વઢવાણ : સુરેન્દ્રનગરના વઢવાણમાં મોહનભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને રામધુન, મુંડનનાં કાર્યક્રમ યોજાઇ ગયો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાઓમાં મહિલાઓ દ્વારા થાળી, વેલણ, દેખાડી, દેખાવ સરકાર સામે કરવામાં આવ્યો છે.

પાટડી - દસાડા તાલુકાના જૈના બાદ ગામ ખાતે મુસ્લીમ સમાજ દ્વારા હાર્દિક પટેલને ટેકો જાહેર કરી અને જૈનાબાદ ગામના મુસ્લીમો હાર્દિક પટેલના સમર્થનમાં મુસ્લીમ સમાજ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવ્યુ છે. જયારે ઉપવાસ આંદોલનમાં પાટડી  તાલુકાનાં ખેરવા બામણવા, સુરજપુરા, માલવણ, રસુલાબાદ સહિતના ગામોના અસંખ્ય મુસ્લીમો દ્વારા હાર્દિક પટેલની લડત, યોગ્ય ગણાવી ઉપવાસ આંદોલન કરી વિરોધ દર્શાવવામાં આવ્યો છે.

જોડીયા

જોડીયા : પાટીદારના અનામત અને ખેડૂતોના પ્રશ્ને ઉપવાસ આંદોલન કરી રહ્યા પાસના કન્વીનર હાર્દિક પટેલના સમર્થનમાં જોડીયા ખાતે લક્ષ્મીપરામાં આવેલ હનુમાન મંદિરના પટાંગણમાં પાટીદાર સમાજના યુવાઓ, મહિલાઓ અને પુરૂષોએ પ્રતિક સ્વરૂપ એક દિવસ રામધુનનો કાર્યક્રમ યોજીને હાર્દિક પટેલને શારીરિક અને માનસીક બળ મળે તેવા પ્રયાસ કરાયો હતો.

લક્ષ્મીપરામાં રામધુન કાર્યક્રમમાં ધારાસભ્ય વલ્લભ ધારવીયા તથા જિલ્લાના કોંગી અગ્રણી પ્રાણજીવન કુંડારીયા તથા ધ્રોલના પાસના યુવા મનોજ પનારા તથા સ્થાનીક ખેડૂત અગ્રણી મગન ભવાન કાનાણી સાથે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતાં. આ પ્રસંગે ધારાસભ્ય તથા જિલ્લાના કોંગી અગ્રણી દ્વારા કેન્દ્ર અને રાજયની ભાજપા સરકાર ખેડૂત વિરોધીની ટીકા કરી હતી.

મેંદરડા

મેંદરડા : તાલુકા પાટીદાર યુવા કાર્યકરોએ નાયબ કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવીને ઉપવાસ આંદોલન મુદ્ે સરકાર તાકીદે યોગ્ય કરે તેવી માંગણી કરી હતી.

મોરબી

મોરબીઃ  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના મુજબ આજે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના દેવામાફી તેમજ હાર્દિકના ઉપવાસ અને માંગણીને સમર્થન આપવા નવા બસ સ્ટેન્ડ નજીક ૨૪ કલાકના ઉપવાસ શરુ કરવામાં આવ્યા છે જેમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા  સહિતના આગેવાનો ૨૪ કલાકના ઉપવાસ આંદોલનમાં જોડાયા છે હાર્દિકના સમર્થનમાં અગાઉ કોંગ્રેસના પ્રતિનિધિમંડળે રાજયના સીએમ સાથે મુલાકાત કરીને રજૂઆત કરી હતી તો આજે વિવિધ સ્થળોએ ઉપવાસ સાથે મોરબીના ધારાસભ્ય અને જીલ્લા પંચાયતના પ્રમુખ પણ ઉપવાસમાં જોડાઈને ખેડૂત અને હાર્દિકના મુદે સમર્થન આપી રહ્યા છે.

ટંકારા ચોકડીએ પાટીદાર મહિલાઓએ રસ્તા રોકો આંદોલન કરીને થાળી વેલણ વગાડી સરકાર સામે વિરોધ કર્યો હતો તેમજ હાર્દિક પટેલને સમર્થન પૂરું પાડ્યું હતું તો મોરબીના મહેન્દ્રનગર ગામ ઉપરાંત શહેરના વૈભવનગર સોસાયટીમાં રામધુન કરવામાં આવી હતી જયારે ટંકારાના ખીજડીયા ગામ અને વીરપર સહિતના ગામોમાં રામધુન યોજી હાર્દિકને પાટીદારો સમર્થન આપી રહ્યા છે

(12:13 pm IST)