Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

અમરેલી જીલ્લામાં છેલ્લા 4 દિવસથી હળવા-ભારે વરસાદના કારણે સાવરકુંડલા તાલુકાના હાથસણીના શેલ દેદુમલ ડેમમાં પાણીની ભારે આવક

લોકોને સલામત સ્‍થળે ખસી જવા તંત્રની ચેતવણી

અમરેલીઃ અમરેલી જીલ્લામાં 4 દિવસથી હળવો-ભારે વરસાદ વરસે છે ત્‍યારે સાવરકુંડલાના હાથસણીના શેલ દેદુમલ ડેમમાં નવા નીર આવતા લોકોને ચેતવણી અપાઇ છે.

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં અમરેલી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ગઈ કાલે પણ બપોર બાદ સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે સાવરકંડલા તાલુકામાં શેલ દેદુમલ જળાશય 60 ટકાથી વધુ ભરાતાં જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અવિરત વરસાદને પગલે અમરેલી જિલ્લાના ડેમોમાં પાણીની આવકમાં વધારો થયો છે. સાવરકુંડલા, લીલીયા, બગસરા, ધારી વિગેરે તાલુકામાં દિવસ દરમિયાન અવારનવાર હળવા ભારે ઝાપટા વરસ્યા હતા. સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામ પાસે દેદુમલ નદી પર શેલ દેદુમલ સિંચાઈ યોજનામાં પાણીની આવક વધી હતી. જેને કારણે ગઈ કાલે તા. 07-08-2022 રવિવારે રાત્રે 8 વાગ્યાની સ્થિતિએ જળાશયના સ્ટોરેજ મુજબ જળાશયના પાણીની ટકાવારી 60.40 ટકા નોંધાઈ હતી. વરસાદના લીધે જળાશયમાં પાણીની સતત આવક થતાં જળાશયની નિર્ધારિત સપાટી/રુલ લેવલ (177.60) જાળવવા માટે હવે ગમે ત્યારે જળાશયના દરવાજા ખોલવામાં આવે તેમ છે.

મહત્વનું છે કે આ સ્થિતિમાં વાયરલેસ ઓપરેટર, અમરેલી ફ્લડ સેલ દ્વારા સાવરકુંડલા તાલુકાના હાથસણી, નેસડી, કરજાળા, સીમરણ ઉપરાંત ધારી તાલુકાના શેલ ખંભાળીયા, દીટલા, નાના સમઢીયાળા, ઈન્ગોરાળા (ડુંગરી), કમી, કેરાળા ગામોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. આ જળાશયથી ઉપરોક્ત વિસ્તારોના ભાગમાં કે નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં વસતા હોય તેવા તમામને સાવચેત રહેવા અને એ વિસ્તાર કે આજુબાજુમાં અવર જવર ન કરવા માટે અનુરોધ કરવામા આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીમાં લો પ્રેસરના કારણે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જેને પગલે વિવિધ વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કરાયું છે. ત્યારે હજુ બે દિવસ સુધી અમરેલી જિલ્લામાં આવો જ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની ધારણા છે.

(6:13 pm IST)