Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

ધારીના ચિતલ રોડ પર ત્રણ સવારીવાળુ બાઇક અને સાઇકલ અથડાતાં એકનું મોતઃ બે ઘવાયા

મુળ મધ્યપ્રદેશના રાજુ (ઉ.૨૫)નું ઘટના સ્થળે મોતઃ ઘાયલ વિશન અને છગનને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૮: ધારીના ચિત્તલ રોડ પર નાના માછીયાળા પાસે રાત્રીના બાઇક અને સાઇકલ અથડાતાં બાઇક પર બેઠેલા મુળ મધ્યપ્રદેશના ત્રણ યુવાન ફંગોળાઇ ગયા હતાં. જેમાં એકનું ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બે યુવાનને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

જાણવા મળ્યા મુજબ ધારી નજીક માલવણ પીપળીયા ગામે પ્રવિણભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના રાજુ સુમેરસિંગ વાસકુલા (ઉ.૨૫), વિશન દીનાભાઇ વાસકુલા (ઉ.૨૫) તથા છગન ગુલશનભાઇ વાસકુલા (ઉ.૨૪) રાત્રીના અગિયારેક વાગ્યે બાઇકમાં બેસીને જતાં હતાં ત્યારે નાના માછીયાળા પાસે સાઇકલસ્વાર અચાનક આડે આવતાં તેની સાથે બાઇક અથડાતાં ત્રણેય પડી ગયા હતાં.

જેમાં રાજુ વાસકુલાનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. વિશન અને છગનને ધારી, અમરેલી સારવાર અપાવી રાજકોટ ખસેડાતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને અક્ષય ડાંગરે ધારી પોલીસને જાણ કરી હતી. મૃતક છ ભાઇ અને બે બહેનમાં મોટો હતો અને ખેત મજૂરી કરતો હતો. તેને સંતાનમાં ત્રણ પુત્રો છે. બનાવથી મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો છે.

ધારીમાં અશોક બજાણીયા દાઝી ગયો

ધારીમાં રહેતાં અશોકભાઇ ધીરૂભાઇ બજાણીયા (ઉ.૪૦) પાંચેક દિવસ પહેલા ચા બનાવતી વખતે સ્ટવમાં ભડકો થતાં દાઝી જતાં ધારી, અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

(12:10 pm IST)