Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

ચાલુ વર્ષે કચ્છમાં ૭૫૦૦ એપ્રેન્ટીસની કરાશે ભરતી

કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષપદે કચ્છના દરેક દરેક પાંખના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

ભુજ : મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત ભુજ ખાતે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષપદે કચ્છના દરેક દરેક પાંખના અમલીકરણ અધિકારીઓ સાથે યોજાયેલા બેઠકમાં યોજના અંતર્ગત કચ્છ જિલ્લામાં વર્ષ ૨૦૧૯-૨૦ માટે ૭૫૦૦ એપ્રેન્ટીસ ભરતીનો રાજય સરકાર દ્વારા રાખવામાં આવેલ લક્ષ્યાંક પૂર્ણ કરવા માટેનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું.
જિલ્લા કલેકટર રેમ્યા મોહને સંબંધિત વિભાગોને ચાલુ વર્ષનું લક્ષ્યાંક હાંસલ કરવા જવાબદારી સોંપવા સાથે આગામી સંકલન બેઠકમાં થયેલી કામગીરીની સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો હતો.
જિલ્લા કલેકટરે શિક્ષણ વિભાગને તાલુકાવાઇઝ ખાનગી શાખાઓની બેઠક બોલાવીને તેમના દ્વારા કરાતી ભરતીની વિગતો રજૂ કરવા સાથે આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત એમ્પેનલ હોસ્પિટલોમાં કરાતી ભરતી, આરટીઓ દ્વારા શો-રૂમો, ગેરેજો વગેરેનાં રજીસ્ટ્રેશન કરાવવા સંબંધે કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી.

આગામી દિવસોમાં દિગ્યાંગોનો ભરતીમેળો યોજવા બાબતે ચર્ચા-વિચારણા દરમિયાન દિવ્યાંગોને નવા એકટ મુજબ ભરતીમાં ૪ ટકા આરક્ષણ આપવાની જોગવાઇ અન્વયે દિવ્યાંગોને આઇટીઆઇ તાલીમ સહિત ઔદ્યોગિક એકમોની આવશ્યકતા અનુસાર તાલીમબધ્ધ કરી તેઓને સક્ષમ બનાવવા સમાજ સુરક્ષા વિભાગના અધિકારી એ.પી.રોહડિયાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા, એનજીઓ, રોજગાર વિભાગ સહિતના વિભાગોની સબ કમિટિ બનાવવા જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.
જિલ્લા રોજગાર અધિકારી પાલા અને એપ્રેન્ટીસશીપ એડવાઇઝર જે. સી. બારોટે બેઠકમાં આપેલી વિગતો અનુસાર મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના ગયા વર્ષે અમલમાં મૂકવામાં આવી હોવાનું જણાવી અંતર્ગત ચાલુ વર્ષે કચ્છના ૭૫૦૦ના લક્ષ્યાંક મુજબ ખાણ-ખનીજ વિભાગને ૨૨૫૦ શીટો ભરવાની થાય છે, જેમાંથી ૧૩૩૭ શીટો ભરાઇ ગઇ હોવાનું જણાવાયું હતું.
આ ઉપરાંત લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ વિભાગને ૫૦૦, શિક્ષણ વિભાગને ૫૦૦, નગરપાલિકાઓ, શહેરી આવાસ વિભાગને ૫૦૦ શીટોનો ટાર્ગેટ અપાયેલ છે, જયારે પીજીવીસીએલ, ગેટકો વગેરેને અપાયેલ ૨૫૦ શીટનો લક્ષ્યાંક પરિપૂર્ણ કરાયેલ છે.
પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટમાં મેરીટાઇમ બોર્ડ, જીએસઆરટી, આરટીઓ વગેરેને ૧૫૦૦ શીટોનો લક્ષ્યાંક અપાયો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ કચ્છને ૧૦૦૦ શીટો, કૃષિ અને સહકાર વિભાગને ૧૦૦, માર્ગ-મકાન વિભાગને ૧૦૦ શીટોનો લક્ષ્યાંક ફાળવાયો હોવાની વિગતો બેઠકમાં અપાઇ હતી.
આ બેઠકમાં ભુજ ડીવાયએસપી બી.એમ.દેસાઇ, માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે.આર.પટેલ, સમાજ સુરક્ષા અધિકારી એ.પી.રોહડિયા સહિત કચ્છ યુનિવર્સિટી, ભુસ્તરશાસ્ત્રી, પોલીટેકનીક અને એન્જિનિયરીંગ કોલે, જીઆઇડીસી, શિક્ષણ સહિતના મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(9:39 pm IST)