Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ચોટીલાના સાંગાણી નજીક

પુત્રની ગફલતથી કાર ડમ્પર સાથે અથડાતા પિતાનું કરૂણ મોત :સુરતથી રાજકોટ આવી રહેલ પટેલ પરિવારને અકસ્માત

ચોટીલા તા. ૮ : ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે ઉકિતને સાર્થક કરતો કાર અકસ્માત ૭/૮ નાં ચોટીલા સાયલા હાઇવે ઉપર સાંગાણી ગામ નજીક સર્જાતા પુત્રની સામે જ પિતાનું મૃત્યુ નિપજતા રાજકોટ પટેલ પરિવારમાં શોકની લાગણી છવાયેલ છે.

અકસ્માતની જાણવા મળતિ વિગત મુજબ રાજકોટ મવડી ચોકડી પાસેની શકિત સોસાયટીમાં રહેતા લેઉવા પટેલ પરિવારનાં અમિપરા ધવલ જયંતિભાઈ અને તેમનાં પિતા જયંતિભાઈ રવજીભાઈ ધંધાનાં કામકાજ માટે તેઓની કાર મારૂતિ સિયાઝ નં જીજે ૦૩ જેસી ૪૮૪૪ લઈને સુરત ગયેલ હતા અને કામ પતાવી પરત આવી રહેલ ત્યારે મંગળવારનાં મોડી રાત્રે એકાદ વાગ્યે કાર ચલાવી રહેલ ધવલભાઇએ ચોટીલાનાં સાંગાણી નજીક કાબુ ગુમાવતા આગળ જતા ડમ્પર નંબર જીજે ૧૩ વી ૮૯૮૯ પાછળ ધડાકાભેર કાર અથડાવતા બાજુમાં બેસેલ તેના પિતા જયંતિભાઈ ને ગંભીર ઈજા પહોચતા તેઓને હોસ્પિટલ ખસેડાતા ફરજ પરનાં ડોકટરે મૃત હોવાનું જાહેર કરતા પટેલ પરીવાર ઉપર ઘેરાશોકની લાગણી છવાયેલ.

બનાવની જાણ થતા બીટ જમાદાર દેવાભાઇ રબારી તપાસ હાથ ધરી પ્રાથમિક કાગળો કરેલ આ અકસ્માતની કાયદાની કમનસીબ વિચીત્રતા એ છે કે પુત્રની નજર સમક્ષ અકસ્માતે મૃત્યુ પામેલ પિતાનાં મોત માટે ગુનાની ફરીયાદ નોંધાવનાર ધવલભાઇ અમિપરા જ પુર ઝડપે ગફલતભરી રીતે કાર ચલાવી અકસ્માત સર્જી પિતાનાં મોત માટે જવાબદાર આરોપી તરીકે હોવાનો ગુનો પોલીસે નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

(4:09 pm IST)