Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

વિસાવદરમાં રેલવે પ્રશ્ને આંદોલનનો ત્રીજો દિવસ : રેલવે મેનેજરે આપ્યું આશ્વાસન

 વિસાવદર તા. ૮ : ભારે વરસાદના પરિણામે રેલ્વે ટ્રેક ધોવાયાના બહાના તળે વિસાવદરથી પસાર થતી તમામ મીટરગેજ ટ્રેનો છેલ્લા વીસ દિવસથી વધું સમયથી બંધ કરી દેવાતા વિસાવદર રેલ્વે સ્ટેશન સામે ચેમ્બર્સ ઓફ કોમર્સ,સીનીયર સીટીઝન ગૃપ, નિવૃત્ત્। કર્મચારી મંડળ, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, સમભાવ મિત્ર મંડળ, જનજાગૃતિ સમિતિ,  બિલખા ગૃપ સહિતની વિવિધ સંસ્થાઓના આગેવાનો-કાર્યકરો-આમ નાગરિકોએ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હોય,જે આજે ત્રીજા દિવસમાં પ્રવેશ્યુ છે.

ગઇકાલે ડીવીઝનલ રેલ્વે મેનેજર કૃપા શ્રીનિવાસને ઉપવાસી છાવણીની મુલાકાત લઇ રેલ્વે લાઈનનું નિરીક્ષણ ચાલુ છે,ડીવીઝનલ એન્જીનીયરોનો અભિપ્રાય આવ્યા બાદ બંધ કરેલ ટ્રેનો વિના વિલંબે શરૂ કરવાની તત્પરતા બતાવી હતી પરંતુ સત્યાગ્રહીઓ પર આ ઠાલા આશ્વાશનની લેશમાત્ર અસર થઇ ન હતી અને બંધ કરાયેલ તમામ મીટરગેજ ટ્રેનો જુના સમય પત્રક મુજબ જ પૂર્વવત શરૂ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.

વિસાવદર જંકશનથી પસાર થતી તમામ મીટરગેજટ્રેનો સતત વીસ દિવસથી બંધ હોવાના પરિણામે વિસાવદર-બિલખા-જૂનાગઢ-ધારી-ચલાલા-અમરેલી-સત્તાધાર-સાસણ-તાલાલા-વેરાવળ-ઉના-દેલવાડા વિસ્તારના મીટરગેજ મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ દિલીપભાઈ કાનાબારે જયાં સુધી તમામ મીટરગેજ ટ્રેનો જુના સમય પત્રક મુજબ જ પૂર્વવત શરૂ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની સ્પષ્ટ જાહેરાત કરેલ છે.(૨૧.૧૬)

(4:07 pm IST)