Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

અધિકારી-રાજકીય પ્રતિનિધિઓ વચ્ચેની અથડામણ નવી નથી; મુદ્દાને સામાજિક સ્તરે લઈ જવો કેટલો વ્યાજબી ?

આવા વિવાદમાં કાયદાને 'કાયદા'નું અને શાસનને 'શાસન'નું કામ કરવા દેવું હિતાવહ

રાજકોટ, તા. ૮ :. ભાજપના હોદેદાર દિનેશ કારીયા અને એ-ડિવીઝનના પીઆઈ સોનારા વચ્ચે રવિવારે થયેલી ખેંચતાણ આજે ચોથા દિવસે પણ જારી રહી  છે. આજે પીઆઈ સોનારાની તરફેણમાં આહિર સમાજના તમામ સંગઠનો રેલી-રજૂઆતો કરી રહ્યા છે ત્યારે શું આ મુદ્દાને સામાજિક હુંસાતુંસીનો બનાવવો યોગ્ય રહેશે ? તેવો વેધક પ્રશ્ન બુદ્ધિજીવીઓમાં ઉઠયો છે. આજે આ મુદ્દે બન્ને તરફી ફોન-મેસેજ અખબારી યાદી કચેરીને મળ્યા હતા.

શહેરમાં નવા પોલીસ અધિકારીઓએ ચાર્જ સંભાળ્યા બાદ શહેરની માથાના દુઃખાવા રૂપ ટ્રાફીક વ્યવસ્થા સુચારૂ બનાવવા માટે તબક્કાવાર પગલાઓ શરૂ કર્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનો પણ આ માટે સહયોગ લેવાયો છે. પોલીસ અધિકારીઓનું માનવુ છે કે પાર્કિંગ સ્પેસની જગ્યાઓમાં દબાણ થઈ જવાના કારણે વાહનો આ જગ્યાઓના બદલે રસ્તા પર પાર્ક થાય છે જેને લઈને રસ્તા સાંકડા બનવાથી ટ્રાફીકજામની સમસ્યા સર્જાય છે. આ માટે રસ્તા પરના દબાણ હટાવવા જોઈએ. આ મુદ્દો પ્રજાકીય દ્રષ્ટિએ યોગ્ય તો છે જ સાથોસાથ ટ્રાફીક નિયમન માટે પણ અતિ આવશ્યક છે.

રવિવારે આવી એક ડ્રાઈવ દરમિયાન ભાજપના હોદેદાર અને બોર્ડના ડીરેકટર દિનેશ કારીયા અને એ-ડિવીઝનના પી.આઈ. સોનારા વચ્ચે ભારે ગરમાગરમી બાદ ફડાકા મારવા  સુધી વાત પહોંચી હતી. પ્રાથમિક તબક્કે સોનારાની કાર્યવાહી યોગ્ય હોવાનું પરંતુ પાછળથી પોલીસ સ્ટેશનમાં કારીયા સાથે થયેલુ બેહુદુ વર્તન અશોભનીય હોવાનું પોલીસ કમિશ્નર શ્રી અગ્રવાલે એક અખબાર સાથેની વાતચીતમાં સ્વીકાર્યુ હતું. દરમિયાન પોલીસ ઈન્સ્પેકટર સોનારાની આઈ.બી.માં બદલી કરી નાખતો હુકમ થયો છે.

આ મામલે વિપક્ષ કોંગ્રેસ દ્વારા સોનારાની તરફેણ કરવામાં આવી હતી. તેમણે સત્તાના જોરે ભાજપ દ્વારા સોનારા સામે થયેલો ખાતાકીય તપાસનો આદેશ અને બદલી અંગે સરકારી તંત્ર ઉપર જોહુકમી સમાન ગણાવી હતી. સાથોસાથ દિનેશ કારીયા સામે ફરજમાં રૂકાવટ બદલ પગલા કેમ ન લેવાયા ? તેવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો. આ વિવાદ આજે ચોથા દિવસે પણ શાંત પડવાના બદલે વધુ વણસ્યો છે. આજે આહિર સમાજના  સંગઠનો અને સંસ્થાઓ દ્વારા પીઆઈ સોનારાની બદલીને રોષભેર વખોડી કાઢતી રજૂઆતો કરવામાં આવી છે. આ તકે પ્રબુદ્ધ નાગરીકોમાં થઈ રહેલી ચર્ચાઓ મુજબ અધિકારી-રાજકીય પ્રતિનિધિઓની અથડામણ નવી નથી કે થતી અટકવાની નથી, પરંતુ તેને જેવો રંગ અપાઈ રહ્યો છે તે પણ કેટલા અંશે વ્યાજબી છે ? બીજી તરફ એ-ડિવીઝનમાં થયેલ કહેવાતા ઓફિસરના વર્તન અંગે પણ ગંભીરતાથી નોંધ લેવાવી જોઈએ તેવી લાગણી પ્રવર્તે છે. જે વર્તન થયું તેની નોંધ ગૃહ વિભાગ અને ટોચના પોલીસ તંત્ર સુધી લેવાયેલ છે, પરંતુ આ મુદ્દાને સામાજિક સ્તરે લઈ જવાનું ભવિષ્યમાં સમાજ જીવનના સામાજિક તાણાવાણા માટે ભયરૂપ બનશે તેવી લાગણી પણ પ્રવર્તી રહી છે. 

ટ્રાફીક નિયમન સુચારૂ બનાવવા ઓટલા તોડવા અને દબાણ હટાવવાની કામગીરીને ચોરે ને ચૌટે વખાણવામાં આવી રહી છે ત્યારે પ્રજાના પ્રતિનિધિ અને સરકારી પ્રતિનિધિ વચ્ચેની અથડામણમાં કાયદો 'કાયદા'નું અને શાસન 'શાસન'નું કાર્ય કરે તે બરોબર રહેશે. આ મુદ્દાને સામાજિક સ્તરે લઈ જવાનુ કેટલુ વ્યાજબી રહેશે  ? આપણો સમાજ જ્ઞાતિ-જાતિની વાડાબંધીમાં લાંબા સમયથી વિખુટો પડી રહ્યો છે. આ મામલામાં રઘુવંશી સમાજે એક પણ નિવેદન નહી કરી કાનૂનને કાનૂનનું કામ કરવા દેવાનું હિતાવહ માન્યું છે. આજે જ્યારે આહિર સમાજ જ્ઞાતિ લેવલે તરફેણમાં આવી ગયો છે ત્યારે  કાલે રઘુવંશી સમાજ રજૂઆતો અને વિરોધ દર્શાવવા ઉતરશે તો તે યોગ્ય ગણાશે ? માટે આ વિવાદ અહીંથી પુરો થઈ પ્રજાના હિતમાં થઈ રહેલી કાર્યવાહી માટે અડચણરૂપ ન બને તે જરૂરી બની ગયુ છે. સમાજના મોભીઓ-અગ્રણીઓ આ બાબતે ગંભીરતાથી વિચારે તેવી સર્વત્ર લાગણી પ્રસરી છે.(૨-૧૩)

(3:37 pm IST)