Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

લાખો ખેડૂતો દેશની સડકો ઉપર કાલે જેલ ભરો સત્યાગ્રહ કરશેઃ ગજેરા

ઉપલેટા, તા. ૮ :. કેન્દ્રની ભાજપની મોદી સરકાર ૨૦૧૪થી ખેડૂતોને વાયદાઓ જ કરતા આવે છે વાયદાઓ પુરા કરવામાં આવતા નથી તેથી ખેતીની સમસ્યાઓ વકરતી જાય છે. ખેડૂતોની બેહાલીમાં વધારો થયો છે. ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે તેથી વાયદાઓ ઉપર હવે વિશ્વાસ રહ્યો નથી માટે હવે ખેડૂતો આરપારની લડાઈ લડી લેવા તૈયાર થયા છે. ખેડૂતોની સમસ્યાઓનો ઉકેલ લાવો નહીં તો મોદી સરકાર સત્તા છોડો ના નારા સાથે દેશમાં ખેડૂત આંદોલન આગળ વધી રહ્યુ છે. ખેડૂતોની મુખ્ય સમસ્યા પોક્ષણક્ષમ ભાવ મળતા નથી. ભાવ ન મળવાને કારણે ખેડૂતો બરબાદ થાય છે. આ બરબાદીમાંથી બહાર નિકળવા માટે ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપે ખેડૂતોને વચન આપેલ કે સ્વામીનાથન કમીટીની ભલામણ પ્રમાણે ખેતી ઉત્પાદન ખર્ચના દોઢા ભાવ આપશુ, મોદી શાસનના ૪ વર્ષ પછી પણ ખેડૂતોને દોઢા ભાવ મળતા નથી ટેકાના ભાવમાં વધારો થાય છે પણ ઉત્પાદન ખર્ચના પ્રમાણમાં દોઢા ભાવ થતા નથી ખેત પેદાશોના ભાવ આપવામાં ભાજપની મોદી સરકાર નિષ્ફળ ગઈ છે. વડાપ્રધાન ફસલ વિમા યોજના ખેડૂતોના લાભ માટે નહીં પણ વિમા કંપનીઓના નફાઓ માટે પુરવાર થઈ છે હજારો કરોડોના પ્રિમીયમ ખેડૂતો પાસેથી લઈ લેવામાં આવે છે. પાક નિષ્ફળતા સમયે નહીંવત પાક વિમો આપવામા આવે છે અથવા આપવામાં આવતો નથી. આ યોજનામાંથી તેમજ ખાનગી કંપનીઓને હટાવવી જોઈએ સરકારી વિમા કંપનીઓએ ખેતી વિમાઓની કામગીરી આપવી જોઈએ.

અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થવા ૯ ઓગષ્ટ ૧૯૪૨ના રોજ ભારત છોડો આંદોલનની ઘોષણા થઈ હતી. આ ઐતિહાસિક દિવસ ૯ ઓગષ્ટના રોજ ભારતના ખેડૂતો જેલ ભરો સત્યાગ્રહ કરીને ઘોષણા કરશે. ખેડૂતોની સમસ્યાઓનો ઉકેલ લાવો નહીં તો મોદી સરકાર સત્તા છોડો... રાજકોટ જીલ્લામાં પણ જેલ ભરો સત્યાગ્રહ થશે. ઉપલેટામાં જાહેર થયેલા આ આંદોલનને સફળ બનાવવા ગુજરાત કિશાનસભાના ડાયાભાઈ ગજેરાએ ખેડૂતોને આહવાન કરેલ છે.

(12:05 pm IST)