Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

જામનગરમાં ૬૦ પટ્ટાવાળાની ભરતી કૌભાંડનો પર્દાફાશ

ભાજપ શાસિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ સરકારની મંજૂરી વગર ભરતી કરીને ૩ કરોડ ચુકવી દીધા

જામનગર તા. ૮ : ભાજપ શાસિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ સરકારે મંજૂર ન કરી હોવા છતાં ૬૦ પટ્ટાવાળાની ભરતી કરી કૌભાંડ આચરીને ૩ કરોડ ચુકવી દેતા સનસનાટી મચી છે.

જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળાઓમાં સરકાર દ્વારા મંજુર થઈ ન હોવા છતાં ૬૦ પટ્ટાવાળાની ભરતી કરવામાં આવી હોવાનું સતાવાર સુત્રોએ જણાવતા ભારે ચકચાર જાગી છે શિક્ષણ સમિતિની શાળાઓમાં ફરજ બજાવતા પાર્ટ અને ફુલટાઈમ પટ્ટાવાળાને છેલ્લા ૧૦ વર્ષમાં પગાર અને ભથથા સહિત રૂ.૩ કરોડ ચુકવ્યાની ચોકાવનારી વિગતો પણ બહાર આવી છે ત્યારે આ તમામ રકમની રિકવરીની તલવાર તોળાઈ રહી છે બીજી બાજુ પટ્ટાવાળાઓના વેતન પેટે જામ્યુકો દ્વારા ૧૦૦ ટકા ગ્રાન્ટ પણ ચૂકવવામાં આવતી હતી.

જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ૪ર પાર્ટ ટાઈમ અને ૧૮ ફુલ ટાઈમ મળી કુલ ૬૦ પટ્ટાવાળા ની ભરતી વર્ષ ૧૯૯૦ થી ૧૯૯૮ વચ્ચે કરવામાં આવી છે નવાઈની વાત એ છે કે, પટ્ટાવાળાઓને પગાર ચૂકવવા જામ્યુકો દ્વારા સમિતિને ૧૦૦ ટકા ગ્રાન્ટ ચુકવવામાં આવે છે પાર્ટ ટાઈમ કે કુલ ટાઈમના એક પણ પટ્ટાવાળાની જગ્યા સરકાર દ્વારા મંજુર થયેલ નથી. કારણ કે, ગુજરાત સરકારના નાણા વિભાગની વર્ષ – ૧૯૯૦, તા. ૯ સપ્ટેમ્બર ૧૯૯૮ અને તા.૧૪ ઓગષ્ટ ર૦૧૪ના ઠરાવમાં સરકાર દ્વારા જે જગ્યા મંજૂર થયેલી હોય તે જ જગ્યા પર નિયત કાર્યવાહી કરી ભરતી પ્રક્રિયાના નિયમો ઘ્યાનમાં રાખીને ભરતી કરવાનું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે આટલુ જ નહીં. પ્રાથમિક શાળાઓમાં એક પણ જગ્યાએ પટ્ટાવાળા કમ ચોકીદારની જગ્યા મંજુર થયેલી નથી. આમ છતાં નિયમો ચાતરી શિક્ષણ સમિતિની શાળાઓમાં એક બે નહીં, ૬૦ પટ્ટાવાળાની ભરતી કરવામાં આવી હોવાનું ખુલતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

આટલુ જ નહીં સૌથી ચોંકાવનારી બાબતો એ છે કે, સરકાર દ્વારા એક પણ જગ્યા મંજૂર થઈ ન હોવા છતા આ પટ્ટાવાળાઓને પગાર ઉપરાંત સરકારના અન્ય લાભો સહિત છેલ્લા ૧૦ વર્ષમાં રૂ.૩ કરોડ જેટલી રકમ ચૂકવવામાં આવી છેત્યારે આ તમામ રકમ રિકવરી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવતા શિક્ષણજગતમાં હડકંપ મચી ગયો છે.(૨૧.૧૦)

(11:58 am IST)