Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

જુનાગઢમાં નરેન્દ્રભાઇના હસ્તે સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ - વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત : જાહેરસભા

૨૩મીના કાર્યક્રમ માટે તંત્ર દ્વારા તડામાર તૈયારી

જૂનાગઢ તા. ૮ : જૂનાગઢમાં આગામી તા.૨૩ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહુર્તના સ્ટેજ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન જૂનાગઢના બિલખા રોડ પર પીટીસીના ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે. આ સ્થળેથી જૂનાગઢ સીવીલ હોસ્પિટલના મેડીકલ કોલેજ સ્થિત નવા ભવનનું ઉદઘાટન કરશે. તેમજ કૃષિ યુનિ.ના નવા બિલ્ડીંગોનું લોકાર્પણ કરશે. જૂનાગઢ મહાનગર પાલિકાના નવા પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત પચણ કરશે.

વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીઓ અંગે  કલેકટર શ્રી સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને આજે મિટિંગ યોજાઈ હતી. વડાપ્રધાનશ્રી નો કાર્યક્રમ અગાઉ તારીખ ૨૦ જુલાઇના રોજ નિયત કરાયો હતો તે પ્રમાણે જ રહેશે. વડાપ્રધાનશ્રીના કાર્યક્રમના પગલે જુદી-જુદી તૈયારીઓ તેમજ પ્રોટોકોલ અંગેની કામગીરી અને આયોજન તેમજ સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા તેમજ વિવિધ અધિકારીઓને કામગીરી કરવા અને આયોજન કરી વિવિધ વ્યવસ્થા સબબ માટે કલેકટરશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

જેમાં જુદી જુદી સમિતિઓની રચના કરી કામગીરી માટે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં લોકો માટે બેઠક વ્યવસ્થા તેમજ પાર્કીગ અને અન્ય મહાનુભાવો માટેની વ્યવસ્થા તેમજ અન્ય કામગીરી માટે માર્ગદર્શન આપ્યું હતુ. આ કાર્યક્રમમાં મ્યુ. કમિશનર શ્રી પ્રકાશ સોલંકી, અધિક કલેકટર શ્રી બારીઆ તેમજ વીવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.(૨૧.૮)

(11:58 am IST)