Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

જેતપુર પાસેના ગોડાઉનમાં મગફળીની ભેળસેળ થતી'તી

રિમાન્ડ પર રહેલ મગન ઝાલાવડીયા સહીતના આરોપીઓની પુછતાછમાં ચોંકાવનારી વિગતો ખુલીઃ ગઇકાલે પકડાયેલ પાંચેય આરોપીઓને રિમાન્ડ અર્થે આજે કોર્ટમાં રજુ કરાશે

રાજકોટ, તા., ૮: જેતપુરના પેઢલાના મગફળી કૌભાંડમાં પકડાયેલ  મુખ્ય સુત્રધાર મગન ઝાલાવડીયા  સહિતના આરોપીઓની પુછતાછમાં જેતપુર પાસે એક ગોડાઉનમાં મગફળીની ભેળસેળ કરાતી હોવાની ચોંકાવનારી વિગતો ખુલી છે. પોલીસે આ ગોડાઉન અંગે તપાસ હાથ ધરી છે. તેમજ ગઇકાલે પકડાયેલ વધુ પ આરોપીઓને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

મગફળી કૌભાંડમાં રિમાન્ડ પર રહેલ મુખ્ય સુત્રધાર મગન ઝાલાવડીયા તથા રોહીત લક્ષ્મણભાઇ બોડા (રહે. લખધીરગઢ, તા. ટંકારા) સહીતના અન્ય આરોપીઓની ગઇકાલે ડીવાયએસપી જે.એમ.ભરવાડ તથા તેની ટીમે પુછતાછ કરી હતી. આરોપીઓએ જેતપુર પાસેના એક ગોડાઉનમાં મગફળીની ભેળસેળ કરાતી હોવાની કબુલાત આપી હતી. મંડળી દ્વારા ખરીદ કરાયેલ મગફળીનો જથ્થો આ ગોડાઉનમાં રાખી ત્યાં બોરીમાં સારી મગફળીનો જથ્થો કાઢી ધુળ-ઢેફા અને પથ્થરો નાખી દેવાતા હતા. તેમજ અન્ય વેપારીઓ પાસેથી ખરીદાયેલ નબળી મગફળી પણ આ બોરીમાં નાખી દેવાતી હતી. પોલીસે આ ગોડાઉન અંગે તપાસ હાથ ધરી છે.

દરમિયાન ઓડીયો કલીપમાં જેનું નામ છે તે માનસીંગ પોપટભાઇ લાખાણી (રહે. લાઠોદરા, તા. માળીયા હાટીના)  તેમજ ગોગન મેરામભાઇ ચુડાસમા (રહે. નાની ધાણેજ), દેવદાન મંગાભાઇ જેઠવા (રહે. મોટી ધાણેજ), ધીરૂ કાળાભાઇ જેઠવા (રહે. મોટી ધાણેજ) તથા હમીર બાવાભાઇ જેઠવા (રહે. મોટી ધાણેજ) ની ગઇકાલે ધરપકડ કરાયા બાદ આજે ઉકત પાંચેય આરોપીઓને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરવામાં આવશે.(૪.૪)

 

(11:55 am IST)