Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ગીર આલેચ અને બરડાના માલધારીઓના સાચા આદિવાસીઓના પ્રમાણપત્રોને લઇને રાજ્‍ય સરકારનો મહત્‍વનો નિર્ણયઃ તપાસ કરવા માટે કમિશનની રચના

ગાંધીનગર: ગીર આલેચ અને બરડાના માલધારીઓના સાચા આદિવાસીના પ્રમાણ પત્રોને લઈ ચાલી રહેલા વિવાદ પર રાજ્ય સરકારે કેબિનેટમાં મહત્વનો નિર્ણય કર્યો છે. કેબિનેટ દ્વારા ગીર બરડા અને આલેચમાં પ્રમાણપત્ર મેળવવા માટે સાચા આદિવાસી કોણ તેની તપાસ કરવા માટે કમિશનની રચના કરવામાં આવી છે. આ કમિશન નિવૃત્ત હાઇકોર્ટના જજ, બે નિવૃત્ત ડિસ્ટ્રીકટ જજ, એક નિવૃત વન વિભાગના DFO અને એક નિવૃત અધિક કલેક્ટરની નિમણૂંક કરવામાં આવશે. નિવૃત્ત હાઇકોર્ટ જજના અધ્યક્ષ સ્થાને રચાયેલા કમિશન દ્વારા ગીર બરડા અને આલેચમાં આદિવાસીના પ્રમાણ પત્ર મેળવવા માટે પત્રતા ધરાવતા લોકો કોણ છે તેની તપાસ કરી રાજ્ય સરકારને રિપોર્ટ કરશે.

કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત આદિજાતિ મંત્રી ગણપત વસાવા દ્વારા કરવામાં આવી હતી. જોકે આ કમિશન ખોટા સર્ટિફિકેટ મામલે તપાસ કરશે કે કેમ ત બાબતે સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. મહત્વનું છે કે, સાચા આદિવાસીઓના પ્રમાણપત્રને લઈ ગીર બરડા અને આલેચના માલધારી આગેવાનો અને આદિવાસી સમાજના આગેવાનો સાથે બેઠક કરી કમિશન રચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

1956 ની સ્થિતિએ સાચા આદિવાસીઓ નક્કી કરવામાં આવશે. સાચા લાભાર્થીઓ આ કમિશન નક્કી કરશે તેવા લોકોને જાતિ આધારે પ્રમાણપત્ર આપવામાં આવશે. ગીર બરડા આલજ વિસ્તારમાં જાતિના પ્રમાણપત્રને લઈને લાંબા સમયથી વિવાદ ચાલતો હતો, જેને લઈ ચારણ, ભરવાડ, રબારી સહિતના 8 પ્રતિનિધિઓ અને આદિવાસી નેતાઓ સાથે બેઠક યોજાઇ હતી. એકપણ આદિવાસીને અન્યાય ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા જ્યુડિશિયલ કમિશનની રચના કરવાનો નિર્ણય કરાયો છે. કમિશન દ્વારા પુરાવાના આધારે સાચા આદિવાસીઓ લાભાર્થીઓની યાદી જાહેર કરાશે.

(5:30 pm IST)