Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

પ્રથમ ત્રિમાસિક ગાળામાં અર્થતંત્રમાં સુધારાથી એસ્સાર પોર્ટ્સનું કાર્ગો સંચાલન વધીને ૧૧.૨૩ મિલિયન ટન થયું

એસ્સાર પોર્ટસની કામગીરીમાં V શેપનો સુધારો જોવા મળ્યો : એપ્રિલ ૨૦૨૦ની સરખામણીમાં જૂન ૨૦૨૦માં કાર્ગો સંચાલનમાં ૭૫ ટકાની વૃધ્ધિ થઇ : લોકડાઉન પછી સ્ટીલ, પાવર અને ખાણ ક્ષેત્રોમાં કામગીરી વધવાથી કાર્ગો સંચાલનમાં સુધારો થયો

જામનગર તા. ૮ :  ચાલુ વર્ષે માર્ચથી મે મહિના વચ્ચે કોવિડ-૧૯ રોગચાળાને નિયંત્રણમાં રાખવા દુનિયામાં સૌથી લાંબું લોકડાઉન ભારતમાં લાગુ થયું હતું. વ્યાવસાયિક કામગીરી સ્થગિત થઈ ગઈ હતી અને તમામ ઉદ્યોગોને માઠી અસર થઈ હતી. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧નાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં વ્યવસાયોએ અસરકારક કામગીરી કરવા, કામગીરીને નવો ઓપ આપવા અને પ્રસ્તુત રહેવા પરિવર્તન કર્યું છે, જેથી તેઓ કામગીરીના જૂનાં સ્તરને હાંસલ કરી શકે.

એપ્રિલ, ૨૦૨૦માં એસ્સાર પોર્ટ્સના મુખ્ય ગ્રાહકો – મુખ્યત્વે પાવર અને સ્ટીલ કંપનીઓના ઉત્પાદનમાં ઘટાડો થવાથી પોર્ટના કાર્ગો સંચાલનમાં ઘટાડો થયો હતો. જોકે ૩૦ જૂન, ૨૦૨૦ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન એસ્સાર પોર્ટ્સે ૧૧.૨૩ મિલિયન ટન (પ્વ્) કાર્ગોનું સંચાલન કર્યું હતું, જેમાં એપ્રિલ ટનેજની સરખામણીમાં જૂન, ૨૦૨૦માં કાર્ગો સંચાલનમાં ૭૫ ટકાની વૃદ્ઘિ થઈ હતી.  એસ્સાર પોર્ટ્સના સીઇઓ અને એમડી શ્રી રાજીવ અગ્રવાલે કહ્યું હતું કે, 'એસ્સાર પોર્ટ્સને આત્મનિર્ભર ભારતના પ્રધાનમંત્રીના સ્વપ્ન પર ગર્વ છે. જૂન, ૨૦૨૦માં સમગ્ર દેશમાં અનલોક-૧નો તબક્કો શરૂ થયો હતો અને તાત્કાલિક અર્થતંત્રમાં સુધારો જોવા મળ્યો છે. લોકડાઉનના સફળ તબક્કાઓમાં પડકારજનક સ્થિતિ સંજોગોમાં પણ કામગીરી જાળવી રાખનાર અમારા ટર્મિનલ્સે ૧૧.૨૩ MT કાર્ગોનું સંચાલન કર્યું છે. દેશના આર્થિક વૃદ્ઘિના એન્જિનો કાર્યરત થાય અને સૌથી વધુ અસરકારક રીતે કામ કરે એ સુનિશ્ચિત કરવા અમે સારી સ્થિતિમાં તૈયાર છીએ.'

(2:50 pm IST)