Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

હાંડલા ગામે મીની વાવાઝોડુ : કાચા મકાનોને નુકસાન : ઘેડ વિસ્તાર જળબંબાકાર

કેશોદમાં મોસમનો ૨૨ ઇંચ વરસાદ વરસી ગયો : મન મૂકીને મેઘરાજા વરસતા ખુશી વ્યાપી ગઇ

કેશોદ તા. ૮ : સમગ્ર સોરઠ પંથકમાં ભીમ અગિયારસ પર સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની સીસ્ટમ સાથે આવેલા વરસાદ બાદ સમયસરની વાવણી થઈ ગઈ હતી. સમયાંતરે જરૂરિયાત મુજબ વરસાદ વરસતા ખેત પેદાશોના પોષણ મળી રહેતાં ખેડૂતો માં ખુશી વ્યાપી ગઈ હતી. છેલ્લા બે દિવસથી સતત મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે ત્યારે કેશોદ શહેરમાં સીઝનનો કુલ વરસાદ બાવીસ ઈંચ નોંધાયો છે અને છેલ્લા ચોવીસ કલાકનો વરસાદ એક ઈંચ નોંધાયો છે.

કેશોદ તાલુકાનાં ઘેડ વિસ્તારમાં પસાર થતી નદીઓ ઓઝત, સાબળી, મધુવંતી, ઉતાવળીયો અને ટીલોળી નદીમાં પુર આવતાં નદી કિનારે આવેલા ખેતરોમાં પાણી ભરાઇ જતાં ઘેડ પંથકમાં જળબંબાકાર ની પરિસ્થિતિ ઉભી થઈ છે. ચોમાસાની શરૂઆતમાં મેઘમહેર વરસી જતાં આવનારાં દિવસોમાં વધુ વરસાદ પડે તો સ્થિતિ કફોડી થવાની સંભાવના વર્તાય છે.

દરિયા કિનારે આવેલા કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં આવેલી નદીઓમાં ઘોડાપૂર આવ્યા બાદ હિન્દુ તિથિ પ્રમાણે આઠમ અને પૂનમ આજુબાજુ ના દિવસોમાં દરિયામાં ભરતી હોવાથી નદીના નીર ભળવા ન દેતાં વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જાય છે. છેલ્લા બે દિવસથી વરસતા વરસાદમાં સામાન્ય ઝાડની ડાળી પડવાની ઘટનાઓ સીવાય અન્ય ગંભીર ઘટના સદનસીબે બની નથી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં અને ઠંડક પ્રસરી જતાં કોરોના વાયરસ ફેલાવાની સંભાવના વધી ગઇ છે સંક્રમણથી કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે જરૂરી પગલાં ભરવા જરૂરી છે.

બે દિવસથી સમગ્ર કેશોદ તાલુકામાં અનરાધાર મેઘસવારી સાથે ગતરાત્રીના ભારે પવન સાથે મીની વાવાઝોડું ફુંકાયું હતું જેના કારણે કેશોદ તાલુકાના હાંડલા ગામે વીસથી પણ વધુ કાચા દેશી મકાનોના છાપરાં, પતરા, નળીયા હવા સાથે ગામના જાહેરમાર્ગોમાં ઉડયા હતા. જેથી છાપરા, પતરા, નળીયા તુટી ગયા હતાં સાથે ઘરમાં રહેલી ઘરવખરી પણ પલળી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ બાબતે મકાનોમાં નુકશાન થયેલાં પરિવારોને સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી મકાન ધારકો માંગણી કરી રહ્યા છે હાલ કુદરતી આફતનો તમામ પરિવારજનો સામનો કરી રહયા છે તો કોઈ પરિવાર પોતાને રહેવા લાયક મકાન માટે મકાન રીપેરીંગનું કામ પોતે કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે હાલ તો બાબતે તલાટી મંત્રી દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વીસથી પણ વધુ કાચા મકાનોમાં કુદરતી આફતના કારણે જે તે નાના મોટી નુકશાની થવા પામી છે તેવા પરિવારોને સરકાર દ્વારા સહાય આપવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું.

કેશોદ વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને સરકાર દ્વારા પણ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે આ સ્થિતિમાં લોક ડાઉન નો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ધાર્મિક સ્થળો પણ દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા જો કે બાદમાં ધાર્મિક સ્થળો નિયમોનું પાલન કરવાની શરતે ખોલવાની છૂટ અપાઈ હતી ત્યારે પંથકના માણેકવાડા ગામે આવેલ માલબાપા મંદિર હાલ ખુલ્લું છે. જો કે પ્રસાદ કાર્યક્રમોની મનાઈ છે અને હવે શ્રાવણ મહિનાને ગણતરીના દિવસો જ બાકી છે દર વર્ષે અહીંયા મોળો ભરાય છે. જો કે આ વર્ષે સાવચેતીના ભાગરૂપે આ મેળો રદ કરવા આવ્યો છે આ ઉપરાંત ચા - સુખડીની પ્રસાદી પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમ મંદિર ટ્રસ્ટ દ્વારા જાણવામાં આવ્યું છે.(

(12:50 pm IST)