Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

જામકંડોરણાનાં ફોફળ ડેમમાં ૧૧ ફુટ નવા નીરઃ ઓવરફલો થવા આડે અડધા ફુટનું છેટુ

જામકંડોરણા તા. ૮ :.. પંથકમાં કાલે ચોથા દિવસે પણ અવિરત મેઘ સવારી ચાલુ રહી હતી. જામકંડોરણામાં કાલે દિવસ દરમ્યાન વધુ એક ઇંચ વરસાદ પડયો હતો. મોસમનો કુલ વરસાદ ૪૦૧ મી.મી. થયેલ છે. જામકંડોરણા તેમજ ઉપરવાસના સારા વરસાદના કારણે છેલ્લા બે દિવસમાં જામકંડોરણાના ફોફળ ડેમમાં ૧૧ (અગીયાર) ફુટ પાણીની ધીંગી આવક થતાં ડેમની સપાટી હાલ રપ.ર૦ ફુટે પહોંચી છે હવે આ ડેમ સંપૂર્ણ ભરાવાને માત્ર અડધા ફુટનું છેટુ છે આ ડેમ સંપૂર્ણ ભરાવાને માત્ર અડધો ફુટ અધુરો છે આ ડેમ ઓવરફલો થવાની શકયતા હોઇ રાજકોટ સિંચાઇ વર્તુળ દ્વારા ડેમના નીચાણવાળા વિસ્તારના ગામો દૂધીવદર, ઇશ્વરીયા, તરવડા, વેગડીના ગામોના લોકોને નદીના પટમાં અવર જવર નહી કરવા સાવચેત રહેવા સુચના આપવામાં આવેલ છે. જામકંડોરણા પંથકમાં છેલ્લા ચાર દિવસના આ સારા વરસાદના લીધે નદી નાળા ચેક ડેમો છલોછલ ભરાઇ ગયા છે અને વાવેલ મોલાતો પરના આ સારા વરસાદથી ખેડૂતો તેમજ લોકોમાં આનંદ છવાયો છે.

(11:42 am IST)