Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

મોજ અને વેણુ ડેમ ઓવરફલો : ઉપલેટા પંથકમાં ૩ થી ૫ ઇંચ વરસાદ : રૂપાવટી નદીના પાણી ભાયાવદર ગામમાં ઘૂસ્યા

સ્મશાનની દિવાલ ધરાશાયી : નદીઓ ગાંડીતૂર : ખાખીજાળીયામાં ગાય તણાઇ

ઉપલેટા તા. ૮ ગઈકાલે દિવસ દરમ્યાન સવારના ૬ વાગ્યાથી લઈ આજના ૬–૦૦ વાગ્યા સુધીમાં ૭૯ મી.મી.(૩ ઈંચ) વરસાદ નોંધાયેલ હતો. મોસમનો કુલ વરસાદ  ર૮૮ મી.મી. નોંધાયેલ છે. અને તાલુકાના ગામડાઓમાં ભાયાવદર ગામે કાલે દિવસ દરમ્યાન ૮પ મી.મી થતા મોસમનો કુલ વરસાદ ૪૦૯ મી.મી નોંધાયેલ છે. ભારે વરસાદના પગલે ખાખીજાળીયાની રૂપાવટી નદીમાં ધોડાપુર હોવાથી નદીના પાણી ભાયાવદર ગામમાં ઘુસ્યાના સમાચાર છે. તથા ખાખીજાળીયા ગામે ૧ ગાય તણાયાનો વિડીયો વાયરલ થયેલ છે. સાથે સાથે ભાયાવદર નગરપાલીકા સંચાલીત સ્મશાનની દિવાલ  પુરના કારણે ધરાસાઇ થયેલ છે. સ્મશાનનો ઝાંપો તેમજ ત્યાં ઉપયોગમાં લેવાતો લાકડાનો જથ્થો પણ સાથે તણાઈ ગયો છે. આ અંગે અંદાજે ર.પ૦ લાખ રૂપીયાની નુકશાની થઈ હોવાનું નગરપાલીકાના અધિકારીઓએ જણાવેલ છે.

ઉપરોકત બાબતે છેલ્લા ૩ દિવસથી ઉપલેટા તાલુકામાં આવેલા બન્ને ડેમોના  ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે મોજ ડેમ ગઇ બપોરના ર–૦૦ કલાકે ઓવરફલો થતા તેમના ર૦ પાટીયા ૭ ફુટ જેટલા ખોલવાની ફરજ પડી છે. હાલ ર પાટીયા ર ફુટ ખુલ્લા છે. તેમજ મોજ ડેમ સાઈટ ઉપર દિવસ દરમ્યાન ૪પ મી.મી. વરસાદ નોંધાયેલ છે. મોસમનો કુલ વરસાદ ૪૩પ મી.મી. થયેલ છે. અને ગધેથડ ના વેણુ– ર ડેમ  પણ ગઈકાલે સવારે ઓવરફલો થયા બાદ આજે તેમના ૧૭ દરવાજા ૮ ફુટ જેટલા ખોલવામાં  આવેલ હતા હાલ ૩ ફુટ ખુલ્લા રખાયા છે. વેણુ ડેમ ઉપર આવેલ પાનેલી મોટી માં ર૯ ઈંચ વરસાદ અને સીદસર ઉમીયાસાગરમાં પણ ઘોડાપુર જેવી સ્થિતી વચ્ચે સીદસર ઉમીયા માતાજીના મંદિર સુધી પાણી પહોંચ્યા છે.

તાલુકાના બન્ને ડેમો ઓવરફલો હોવાથી મોજ અને વેણુ નદી બે કાંઠે વહેવા લાગી છે. તો બીજી તરફ વેણુ નદી વિસ્તારમાં આવતા નાગવદર અને વરજાંગ જાળીયા ગામની અંદર નદીના વહેણ પહોંચ્યા હોવાનું જાણવા મળેલ છે. ભારે વરસાદ અને પુરની સ્થિતીમાં વધુ કોઈ ખાના ખરાબી જણાઈ નથી. પરંતુ વેણુ નદી વિસ્તારમાં આવતા ખેતરોમાં પુરના પાણી ઘુસવાથી ખેડુતોને મોટી નુકશાની થઈ હોવાનું જાણવા મળેલ છે.

(11:37 am IST)