Gujarati News

Gujarati News

News of Wednesday, 7th June 2023

જન જનની સુખાકારી માટે “સુખનો વેદ આયુર્વેદ” અને “વાત આરોગ્યની” નો નવતર પ્રયોગ

જિલ્લા કલેક્ટર અમિત અરોરા તેમજ જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પ્રજાપતિની અનેરી પહેલ અંતર્ગત આકાશવાણી અને જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખાનો સંયુક્ત ઉપક્રમ

ભુજ:આયુર્વેદ અથવા આયુર્વેદશાસ્ત્ર એ ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે. આ મનુષ્યના જીવિત રહેવાની વિધિ તેમ જ તેના પૂર્ણ વિકાસના ઉપાયો બતાવે છે. તેથી આયુર્વેદ અન્ય ચિકિત્સા પદ્ધતિની જેમ એક ચિકિત્સા પદ્ધતિ માત્ર નહી, પરંતુ સંપૂર્ણ આયુષ્યનું જ્ઞાન છે. સંસારમાં એવી કોઈ વ્યક્તિ નથી જે દુઃખી થવા ઈચ્છતી હોય, સુખની આશા પ્રત્યેક વ્યક્તિની હોય છે, પરંતુ સુખી જીવન ઉત્તમ સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે. સ્વસ્થ અને સુખી રહેવા માટે આવશ્યક છે કે શરીરમાં કોઈ વિકાર ન હોય અને જો વિકાર થઇ જાય તો એને તરત જ દૂર કરવામાં આવે. આયુર્વેદનું મુખ્ય લક્ષ્ય વ્યક્તિ કે સ્વાસ્થ્યનું રક્ષણ તેમ જ રોગીઓના વિકારનું શમન કરવાનું છે.

હાલના સમયે આયુર્વેદની વાત જન સામાન્ય લોકો સુધી સરળ તેમજ વૈજ્ઞાનિક રીતે પહોંચે તે હેતુથી જિલ્લા કલેક્ટર અમિત અરોરા તેમજ જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પ્રજાપતિએ એક અનેરી પહેલ કરી છે.

જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા તેમજ આકાશવાણીના સંયુક્ત ઉપક્રમે મહિનાના દર બીજા અને ચોથા ગુરુવારે રાત્રે ૦૯.૩૦ કલાકે “સુખનો વેદ આયુર્વેદ” અને “વાત આરોગ્યની” જન જનની સુખાકારીનો નવતર કાર્યક્રમ અંતર્ગત નવતર પ્રયોગ હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમના માધ્યમથી નિષ્ણાત સરકારી આયુર્વેદ તબીબો સાદી અને સરળ ભાષામાં આહાર, વિહાર, તકેદારી અને રોગની સારવારની સરળ ભાષામાં માહિતી આકાશવાણીના માધ્યમથી પહોંચાડશે.

  આકાશવાણીના મીડીયમ વેવ ૧૩૧૪ Khz પર, એન્ડ્રોઈડ ફોન પર ન્યુઝ ઓન એર એપ દ્વારા લાઈવ “સુખનો વેદ આયુર્વેદ” અને “વાત આરોગ્યની” જન જનની સુખાકારીનો કાર્યક્રમ સાંભળી શકાશે. આ ઉપરાંત યુ ટ્યૂબમાં ચેનલ ઓલ ઇન્ડિયા રેડિયો ભુજ લાઈવમાં પણ આ કાર્યક્રમ સાંભળી શકાશે. સમગ્ર કાર્યક્રમની પરિકલ્પના જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. પવનકુમાર મકરાણી, કાર્યક્રમની પ્રસ્તુતિ કલ્પના મહેતા, ભરત ચતવાણી નિર્માણ કાર્યમાં સહયોગી થશે.

(1:23 am IST)