Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

મોરબી સેશન્સ કોર્ટે પરિણીતાને ત્રાસના કેસમાં સાસુને બે વર્ષની સજા ફટકારી

મોરબી તા. ૮ : મોરબીની પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોય જેથી પરિણીતાએ આપઘાતનું અંતિમ પગું ભર્યું હતું જે મામલે કોર્ટમાં કેસ ચાલી જતા પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપનાર સાસુને ૨ વર્ષની સજા અને ૧૦,૦૦૦ નો દંડ ફટકાર્યો છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જયશ્રીબેન કોળી નામની પરિણીતાએ તા. ૦૪-૦૪-૧૬ ના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો જે મામલે પિતા મનસુખ દેવાભાઈ કોળીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની દીકરીના ઘરે દીકરીનો જન્મ થયો હોય જેથી તેના સાસુ રતનબેન જયંતીભાઈ કોળીએ તેણે દીકરો કેમ ના આવ્યો તેમ કહીને શારીરિક માનસિક ત્રાસ આપ્યો હોય જેથી તેની દીકરીએ આપઘાત કર્યો હતો.

આ અંગેનો કેસ મોરબી ડીસ્ટ્રીકટ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સંજયભાઈ દવે અને ધર્મેન્દ્રભાઈ આદ્રોજાની દલીલને માન્ય રાખીને ડીસ્ટ્રીકટ સેશન્સ જજ રીઝવાનાબેન ઘોઘારીએ આરોપી સાસુ રતનબેન કોળીને બે વર્ષની કેદની સજા અને ૧૦,૦૦૦ રૂપિયા દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે તેમજ આરોપી તરફેના વકીલે પ્રોબેશનનો લાભ માંગતી દલીલ કરી હતી જોકે કોર્ટે તે નામંજૂર કરી હતી.(૨૧.૧૯)

(12:40 pm IST)