Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

બોટાદમાં ઘર વપરાશ ખેતી વાડીના વીજ ગ્રાહકોને સરકારની માફી યોજનાનો લાભ લેવા અનુરોધ

બોટાદ, તા.૮: અધિક્ષક ઈજનેરશ્રી, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ, વર્તુળ કચેરી, બોટાદની યાદી જણાવે છે કે તાજેતરમાં રાજય સરકાર દ્વારા માફી યોજના – ૨૦૧૭ જાહેર કરવામાં આવેલ છે, જેમાં તા.૩૧.૮.૨૦૧૭ કે તે પહેલા કાયમી ધોરણે કપાયેલા હોય તેવા ઘર વપરાશ તેમજ ખેતીવાડીના ગ્રાહક/બિનગ્રાહકોને મૂળ રકમના ૫૦% અને વ્યાજમાં ૧૦૦%માફી આપવામાં આવે છે. તેમજ જે ગ્રાહકો/બિનગ્રાહકો સામે કોર્ટમાં દાવાઓ ચાલે છે, તેવા ઘર વપરાશ તેમજ ખેતીવાડીના ગ્રાહકો/બિનગ્રાહકોને મૂળ રકમના ૫૦ અને વ્યાજમાં ૧૦૦% માફી આપવામાં આવશે અને વકીલ ફી તેમજ કોર્ટ ફી માં પણ ૧૦૦% માફી આપવામાં આવશે. પાવર ચોરીમાં પ્રથમવાર નોંધાયેલ કેસમાં ગ્રાહકો/બિનગ્રાહકોને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે. વાણિજયક, ઔદ્યોગિક અને વોટર વર્કસના ગ્રાહકો/બિન ગ્રાહકોને વ્યાજમાં ૧૦૦% માફી આપવામાં આવશે. આ યોજના તા.૨૪/૦૭/૨૦૧૮ સુધી જ હોય સત્વરે લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. માફી યોજના અંગે વધુ માહિતી માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. ની નજીકની પેટા વિભાગીય કચેરીનો સંપર્ક કરવો.

મતદાર યાદી સુધારણા અંગે લોકોને જાગૃત કરાયા

બોટાદઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૫ મી જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની જાગૃતિના સંદર્ભમાં મતદાર યાદીમાં નોંધણી, સુધારા – વધારા અંગેની કામગીરી તથા અન્ય નવિન કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવા સૂચિત કરવામાં આવેલ છે.

જે અન્વયે બોટાદ શહેરમાં મામલતદાર કચેરી – બોટાદ તથા નાયબ વન સંરક્ષકશ્રી – બોટાદના સંયૂકત ઉપક્રમે આઈ. ટી. આઈ. બોટાદ ખાતે સવારના ૧૦-૦૦ કલાકે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં નાયબ વન સંરક્ષકશ્રી તથા મામલતદાર કચેરીના સ્ટાફ અને સ્થાનિક કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આ કાર્યક્રમમાં વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે વૃક્ષોની અગત્યતા વિશે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો બેનર – પોસ્ટર દ્વારા પ્રચાર – પ્રસાર કરવામાં આવ્યો હતો તથા ચૂંટણી પ્રક્રિયાની જાણકારી આપવામાં આવી હતી.

(11:28 am IST)