Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

ભુજના અજરખપુરમાં ૨ બાળકો સાથે હેવાનીયત આચરાઇ

મૃત બાળકના શરીરે ડામના દાગ, જ્યારે બાળકીના ગુપ્તાંગમાં ઇજા : ૬ ટીમો બનાવી પોલીસે તપાસ હાથ ધરી

 ભુજ તા. ૮ : તાલુકાના અજરખપુર ગામેથી ગુમ થયેલા બે માસુમ બાળકોના ગુમ થવા મામલે ખુબ કરૂણ અંજામ આવ્યો છે. બુધવારે સવારે ૧૧ વાગ્યે બાળકો ગુમ થયા બાદથી પોલિસ,પરિવાર અને સ્થાનીક લોકો બાળકોની શોધ કરી રહ્યા હતા તે વચ્ચે આજે બાળકો કબ્રસ્તાન નજીકના દુર્ગમ વિસ્તારમાંથી સ્થાનીક લોકોને શોધખોળ દરમ્યાન મળી આવ્યા હતા. ત્યારે સાડા ત્રણ વર્ષનો બાળક દાનીયાલ મૃત હાલતમાં ત્યા પડ્યો હતો અને બાળકી રૂબાબા ગુપ્તાંગ અને ગાલ ના ભાગે ઇજા સાથે બેભાન અવસ્થામાં ત્યાથી મળી આવી હતી. પોલિસે તાત્કાલીક તપાસ શરૂ કરી અને બાળકીને સારવાર અર્થે પહેલા ભુજ દાખલ કર્યા પછી અમદાવાદ મોકલી છે. આ બાળકોની સાથે કોણે હેવાનીયતભર્યું કૃત્ય આચર્યું તે શોધવા પોલીસે એફ.એસ.એલ ડોગ સ્કવોડ ની મદદ લઈ તપાસ શરૂ કરી છે.

ઘટનાની જાણ થતા પોલિસના ઉચ્ચ અધિકારી બોર્ડર રેન્જ આઇ.જી.પીયુષ પટેલ પશ્ચિમ કચ્છ એસ.પી એમ.એસ.ભરાડા સહિત એસ.ઓ.જી. એલ.સી.બી સહિતની મહત્વની બ્રાન્ચ પણ ધટના સ્થળે દોડી આવી હતી. અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમીક તપાસ બાદ પશ્ચિમ કચ્છ પોલિસવડા એમ.એસ.ભરાડા એ જણાવ્યુ છે. કે બાળકોના શરીર પર ઇજાના નિશાનો સાથે ગુપ્તઅંગો પર પણ ઇજાદેખાઇ છે. બાળકીની ભુજ માં તબીબી તપાસ કરાઈ હતી, જયારે બાળકનો મૃત્દેહ જામનગર પરિક્ષણ માટે મોકલાયો કોઇ માનસીક વિકૃત શખ્સે આ કૃત્ય કર્યુ હોય તેવુ પોલિસનુ અનુમાન છે. અને તે દિશામાં પોલિસ તપાસ કરી રહી છે.

બાળકની હત્યા અને બાળકી પર હુમલાની કલમ ૩૦૨ અને ૩૦૬ સહિત અપહરણ નો ગુન્હો પોલિસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ નોધ્યો છે. અને મેડીકલ રીપોર્ટની રાહ જોવા સાથે પોલિસે મળેલી કેટલીક કડીના આધારે ગુપ્ત રાહે તપાસ શરૂ કરી છે. જેમાં પધ્ધર પોલિસ, એલ.સી.બી. એસ.ઓ.જી.ખાવડા પોલિસ,મહિલા પોલિસ, પેરોલ ફર્લો સ્કોડ સહિત મુન્દ્રાના કેટલાક અધિકારીઓ સાથેની ૬ ટુકડી તૈયાર કરી છે. જે અલગ-અલગ દિશામાં કામ કરી રહી છે. તો સ્થળ પર પોલિસને એક મોટરસાઇકલની ચાવી પણ મળી છે. જે દિશામાં પણ પોલિસ તપાસ કરશે. પોલિસને આશા છે. કે ઝડપથી તે આ કરૂણ ધટનાને અંજામ આપનાર નરાધમો સુધી પહોંચી ને ગુના નો ભેદ ઉકેલી લેશે.  અજરખપુર ના મુસ્લિમ ખત્રી પરિવારોના એક બાળકની હત્યા થઈ, તો માસુમ બાળકી પર અત્યાચાર ગુજારાયો પવિત્ર રમજાન મહિનામાં બનેલી આ ઘટનાએ આ પરિવાર ઉપર વ્રજઘાત સજર્યો છે.(૨૧.૧૪)

(11:26 am IST)