Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

તળાજામાં ખુંટીયાની ઠેર-ઠેર ભરબજારે લડાઇ

તીલક ચોકમાં ચાર બાઇક ઉંધી નાખીઃ કેરીના વેપારીને હડફેટે લેતા ચોકમાં કેરી-વેરણ-છેરણઃ લોક પ્રતિનિધિઓ મુક પ્રેક્ષકઃ ખુંટીયાઓ જીવ લેવા તત્પર

તળાજા, તા., ૮: તળાજા નગરના મોટા ભાગના વિસ્તારોમાં અને ખાસ કરીને બજારના મુખ્ય રસ્તાઓ પર આખલાઓની કનડગત અને લડાઇઓ વધતા લોકોના જીવ પર જોખમ વધી રહયું છે. નગર સેવા સદનના ચુંટાયેલા લોક પ્રતિનિધિઓ આ બાબતે ગંભીરતાથી વિચારવાના બદલે બેદરકારી સેવી રહયા છે.

આજે સવારે ગર્લ્સ સ્કુલ પાસે બે આખલાઓની લડાઇને લઇ રસ્તાઓ પર રાહદારીઓને થંભી જવાની અને સલામત જગ્યાએ ઉભા રહી જવાની ફરજ પડી હતી.

સાંજના સમયે વાહનો અને રાહદારીઓથી સતત ભરચક્ક એવા તિલક ચોક વિસ્તારમાં બે આખલાઓની લડાઇને લઇ લોકોમાં નાસભાગ મચાવી હતી. આખલાઓની લડાઇ એટલી જોરદાર હતી કે ચાર જેટલી બાઇકોને પછાડી દીધી હતી. ચારેય બાઇકો પર આખલાઓના પગ મુકવાના કારણે નુકશાન થયું હતું. રોડની સાઇડમાં બેસેલા કેરીના વેપારી અને કેરીના જથ્થાને હડફેટે લેતા આખાય ચોકમાં કેરી વેરણ-છેરણ થઇ હતી. નગર સેવા સદન દ્વારા સ્વ.ભંડોળમાંથી પણ વ્યવસ્થા કરી ખુંટીયાઓ લોકોને નુકશાન ન કરે તેવી વ્યવસ્થા કરવી રહી તેવી આજે લોકોની માંગ બળવતર બની હતી.

(11:20 am IST)