Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

મોરબી જિલ્લામાં “મારુ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાનને સાર્થક કરાશે :

પ્રભારી મંત્રી સૌરભભાઇ પટેલની ઉપસ્થિતિમાં અભિયાન હેઠળ સમીક્ષા બેઠક

મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તેમજ આગામી સમયમાં નાગરિકોને વધુમાં વધુ સારી સારવાર મળી રહે તે હેતુથી મોરબી જિલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઇ પટેલે મારુ ગામ કોરોના મુક્ત ગામ હેઠળ સમગ્ર સમીક્ષા બેઠકનું આયોજન કરી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી આગામી સમય માટે રણનીતિ તૈયાર કરી હતી.
મોરબીના ટાઉનહોલ ખાતે શનિવારે યોજાયેલ બેઠકમાં ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ તેમજ જિલ્લા સંગઠનના આગેવાનોની ઉપસ્થિતિમાં મોરબી જિલ્લામાં મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને વધુ ગતિ આપી કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે વિવિધ સુચનો પર ચર્ચા અને પરિસ્થિતિનું આંકલન કરવામાં આવ્યું હતું.
પ્રભારી મંત્રી સૌરભભાઇ પટેલે મારુ ગામ કોરોના મુક્ત ગામ હેઠળ વધુમાં વધુ આઇસોલેશન અને કેર સેન્ટર શરૂ થાય, ગ્રામજનો કામ સિવાય બહાર ન નીકળે, ભીડભાડ વાળા વિસ્તારોમાં જવાનું ટાળે અંગેના મુદ્દાઓ પર ભાર મુકયો હતો. આ ઉપરાંત બેઠકમાં વેક્સીન અંગે જનજાગૃતિ ફેલાવવા તેમજ ગ્રામ્ય સ્તરે જ કોરોનાના સંક્રમણને અટકાવવા વિવિધ મુદ્દા પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
આ બેઠકમાં પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયા, મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, હળવદના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ. કતીરા, મોરબી ગ્રામ્ય મામલતદાર ડી.જે. જાડેજા તથા સંબંધીત અધિકારીઓ તેમજ પદાધિકારીઓની હાજરીમાં બેઠક યોજાઈ હતી.

(9:08 pm IST)