Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

કચ્છમાં કોરોનાની સારવાર લેતા દર્દીઓ ૩,૦૦૦ને પારઃ વધુ ૪ મોત : નવા ૨૧૧ કેસ

કંડલામાં ક્રુ મેમ્બરનું મોત, પોર્ટ હોસ્પટલમાં ઇન્જે.ની બુમરાણ, ભુજના ગ્રામ્ય વિસ્તારમાં બાળકોને કોરોના હોવાની ચર્ચા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૮: કચ્છ કોરોનાના ભરડામાં છે. દરરોજ વધી રહેલા કેસો વચ્ચે સારવાર લેતાં દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. અત્યારે નવા ૨૧૧ કેસ સાથે હોસ્પિટલમાં સારવાર લેતાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૩૦૮૪ થઈ છે. જોકે, આ દરદીઓમાં દ્યેર સારવાર લઈ રહેલાં દર્દીઓ સામેલ નથી. કોરોનાથી થઈ રહેલ મોતનો આંકડો પણ વધી રહ્યો છે. સરકારી ચોપડે વધુ ૪ મોત સહિત કુલ મોતનો આંકડો ૨૨૨ થયો છે.

જયારે વાસ્તવિક આંક તેનાથી ઊંચો હોવાની શકયતા છે. કંડલા મધ્યે જહાજના એન્જીનીયર ક્રુ મેમ્બર પોડુગુમાતી સત્યનારાયણનું કોરોનાથી મોત નિપજયું હતું. જયારે કંડલા પોર્ટ દ્વારા સંચાલિત હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમ્યાન રેમડેસિવિર ઈન્જેકશન ન મળવાની બૂમરાણ છે.

કોરોનાના કહેર વચ્ચે ભુજની નજીક આવેલા પટેલ ચોવીસીના ગ્રામ્ય વિસ્તારમાં સમાજ દ્વારા રેપિડ ટેસ્ટ કરાઈ રહ્યા છે. આ ટેસ્ટમાં બાળકોને પણ કોરોના હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

(11:07 am IST)