Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

જગતમાં નકારાત્મકતા સામે સકારાત્મકતા જાળવી રાખવાનું કાર્ય શાસ્ત્રો-કથાઓ કરે છેઃ પૂ. મોરારીબાપુ

ઉના નજીકના નાગેશ્રીમાં શાસ્ત્રી યજ્ઞેશદાદાના વ્યાસાસને આયોજીત ભાગવત કથાનો પ્રારંભ

અમરેલી-રાજુલા, તા., ૮: ઉના પાસેના નાગેશ્રી ખાતે આજે ભાગવત કથાના પ્રારંભે ઉપસ્થિત રહી પૂ. મોરારીબાપુએ પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતું કે ત્રણેય લોકને પવિત્ર કરવાનું કામ ભાગવત જ્ઞાનયજ્ઞનું છે. જગતમાં નકારાત્મકતા સામે સકારાત્મકતા જાળવી રાખવાનું કાર્ય શાસ્ત્રો, કથાઓ કરી રહી છે.

નાગેશ્રી ગામમાં પ્રેમદાસબાપુ ધુણાવાળાની જગ્યામાં આજથી શાસ્ત્રી યજ્ઞેશદાદાની ભાગવતકથા જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો. આ પ્રસંગે પૂ. મોરારીબાપુએ સનાતન ધર્મ જયોત પ્રગટાવી હતી.કથાના આયોજક વરૂ પરીવારના અગ્રણી અને પુર્વ ધારાસભ્ય પ્રતાપભાઇ વરૂએ આ પ્રસંગે ઉપસ્થિત પૂ.મોરારીબાપુ અને સાધુ સંતો પ્રત્યે પોતાનો ભાવ વ્યકત કરતા કહયું હતું કે લાખો કરોડોના દાન આપનાર કરતા પણ સાધુ સંતોના હ્ય્દયમાં પહેલું સ્થાન ક્ષત્રીયોનું રહયું છે. કયારેક જગતમાં આ અંગે પ્રશ્ન થાય છે પરંતુ ક્ષત્રીયોએ ધર્મ અને સમાજની રક્ષા માટે બલીદાનો આપ્યા છે. તેમણે આ તકે કહયું કે આજે સનાતન જયોત અને બહેન દીકરીઓના રક્ષણ માટે આજે પણ સંતો માથુ આપવા કહે તો ક્ષત્રીયો તત્પર છે તેમ જણાવી તેમણે સનાતન ધર્મ અને સમાજ, સંતો પ્રત્યે આદરભાવ વ્યકત કર્યો હતો. વરૂ પરીવાર દ્વારા આ પ્રસંગે પૂ. મોરારીબાપુને ચાંદીની ફ્રેમમાં મઢેલ ભગવાન શ્યામસુંદર-તુલસીશ્યામની છબી ભેટ ધરવામાં આવી હતી.

પૂ. મોરારીબાપુએ જણાવ્યું કે સમસ્ત લોકો મારો પરીવાર છે કોઇના પ્રત્યે પક્ષપાત નથી પરંતુ આ પરીવાર સાથે વિશેષ લાગણી છે તે ભાગવતની સાક્ષીએ કહી રહયો છું. માથુ મુકવુ એ ઉદ્વોષના કરી તે જેવી તેવી નથી. પણ કોઇ માથુ માંગવુ નથી, કોઇમાથુ આપવુ નથી. પરંતુ આ માથાને જોઇ રાજી થવું છે. કે કયા નમવું અને કયાં ન નમવું તેની એને ખબર છે. બાકી કેટલાકને આની ખબર જ નથી. પૂ. બાપુએ આ પ્રસંગે સ્વ. સુરગભાઇ સાથેના સંસ્મરણો અને વરૂ પરીવારની અમીરાત, રખાવટ  તથા સાધુ સંતોના વરૂ પરીવાર પર આશીર્વાદ રહેલા છે.

તેને યાદ કર્યા હતા. પૂ. બાપુએ ભાગવત કથાનો મર્મ સમજાવી જણાવ્યું કે, ભાગવતનો પ્રથમ અક્ષર ''ભા'' એટલે જ્ઞાન. આપણો દેશ ભારત એટલે ભા-જ્ઞાનમાં રત છે. જ્ઞાન, સમજણ, વિવેક અને પ્રજ્ઞા એટલે ભારત દેશ, જગત આપણને આ રીતે જાણે છે. ભાગવતનો બીજો અક્ષર ''ગ'' એટલે ગગન સુધી,  ત્રીજો અક્ષર ''વ'' એટલે વસુંધરા પણ જે વિચારે છે અને ''ત'' એટલે રસાતાળ, પાતાળ, આમ, ભાગવત એ ત્રણેય લોકને પવિત્ર કરવાનું કામ કરે છે અને સકારાત્મક ઉર્જા ફેલાવે છે. જગતમાં સકારાત્મક ઉર્જા સામે નકારાત્મક ઉર્જા એટલી જ છે અને વધુ અસરકારક છે. દુનિયાના ગણતરીની ક્ષણોમાં નાશ થાય તેવા પરમાણુ શસ્ત્રો બન્યા છે. એક વખત નહીં પરંતુ દશ વખત દુનિયાનો નાશ થાય તેટલા શસ્ત્રો બન્યા છે અને છતાં બધું ચાલ્યા કરે છે. તે શાસ્ત્રોને આભારી છે. ધર્મકાર્યો અને શાસ્ત્રો, કથાઓમાં એટલી સકારાત્મક ઉર્જા છે જે નકારાત્મક ઉર્જાઓને કાબુમાં રાખવાનું કામ કરે છે.

જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે મામૈયાબાપુ સુમરાબાપુ વરૂ પરિવાર આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પ્રસંગે વિશ્વ વંદનીય પરમ પૂજય મોરારીબાપુ  દ્વારા સનાતન ધર્મની જયોત પ્રજવલિત કરવામાં આવી.

પ્રતાપભાઈ વરૂએ પોતાના પ્રાસંગિક વ્યકતવ્યમા વ્યાસપીઠ અને બાપુને વંદન કરીને જણાવ્યું હતું કે બાપુ, આપના દ્વારા આ સનાતન ધર્મની જયોત પ્રગટાવેલ છે તે સદા  માટે અમો વરૂ પરિવાર ઝળહળતી રાખીશું.   વધુમાં  પ્રતાપભાઈએ જણાવેલું કે-  બાપુ ,આ ક્ષત્રિય સમાજ અધર્મ માટે માથાના બલિદાન આપવા વાળો સમાજ છે. વ્યાસપીઠ ને જયારે જરૂર પડશે ત્યારે ક્ષત્રિય સમાજ ઉભો રહેશે.

બાપુએ તેમના વકતવ્યની શરૂઆતમાં નાગેશ્રી ગામના ,આખા સમાજના ઈષ્ટદેવ હનુમાનજી મહારાજના શરણમાં પ્રણામ પાઠવ્યા. પ્રેમદાસબાપુ ગોદડિયા એમની શીતળ ચેતનાને પ્રણામ કરી, ભીમબાપુ , કાલુબાપુ અને એમના સમગ્ર પરિવારને શીતળ થયેલ ભૂમિ પર ભાગવતજીનું આયોજન કરેલ તે અંગે પ્રસન્નતા વ્યકત કરી અને ભાગવત જ્ઞાનયજ્ઞમાં વ્યાસપીઠને પ્રણામ કર્યા. પરમહંસોની સંહિતા શ્રીમદ્ ભાગવત ગ્રંથને પ્રણામ કર્યા. વ્યાસપીઠ પર બિરાજેલા શાસ્ત્રી યેગ્નેશ  ઓઝાને પ્રણામ કરી, પ્રતાપભાઈ વરૂ એમનો પરિવાર તથા કથા શ્રવણ કરવા આવેલા તમામ ભાઈ બહેનો માટે ખુબ ખુબ પ્રસન્નતા વ્યકત કરી ને બધા ને જય શ્યામ પાઠવ્યા હતા. પ્રતાપભાઈ વરૂ મારો પરિવાર છે અને આખું જગત મારો પરિવાર છે.આ એક સૂર્યવંશી પરિવાર છે. જેને સીધો અજવાળા સાથે સબંધ છે ! એવા આ પરિવાર સાથે મારે વિશેષ સબંધ છે તે ભાગવતની સાક્ષીએ કહું છું; કારણ કે ક્ષત્રિય સમાજના માથાને ખબર છે કયાં નમાય અને કયાં નો નમાય. રઘુવંશમાં લખ્યું છે કે મહારાજા દિલીપ બહુ ઉંચા હતા. હજારો વર્ષ પહેલાંની વાત રઘુવંશની ચરિત્ર ગાથામાં  કાલિદાસ એમ કહે કે રઘુવંશમા જન્મેલા ક્ષત્રિયોના ગુણ હું ગાવા જાઉં છું, એની ઉંચાઈ પ્રમાણે તેમની પ્રજ્ઞા પણ છે ! માણસમાં પ્રજ્ઞા છે. પ્રજ્ઞાનો અર્થ તેમનો વિવેક છે, અને મર્યાદા છે. અક્ષયતૃતીયાનો પવિત્ર દિવસ છે. કવિ રવીન્દ્રનાથ ટાગોરની જયંતિ હોઈ તેને પણ બાપુએ યાદ કર્યા હતા.

(1:48 pm IST)