Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

વાંકાનેરના દલડીમાં નસીમબેન પરાસરાને પતિ, સસરા, દીયર-દેરાણીએ પાઇપથી માર માર્યો

પરિણિતા જીવ બચાવવા રૂમમાં પૂરાઇ ગઇ : પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસે તેને સારવાર માટે રાજકોટ ખસેડી

રાજકોટ, તા. ૮ : વાંકાનેરના દલડી ગામમાં રહેતી મુસ્લિમ પરિણિતાને પતિ, સસરા તથા દીયર અને દેરાણીએ ધોકા-પાઇપ વડે માર મારતા તેને સારવાર માટે રાજકોટ સીવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

મળતી વિગત મુજબ વા઼કાનેરના દલડી ગામમાં રહેતા નસીમબેન મહેબુબ પરાસરા (ઉ.વ.૩પ)ના સાડા ત્રણ વર્ષ પહેલા મહેબુબ પરાસરા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિ મહેબુબ, સસરા મોહંમદ અને દીયર નિઝામ તથા દેરાણી આશિયાના ઘરકામ તથા કરિયાવર બાબતે અવારનવાર મેણાટોણા મારી ત્રાસ આપતા હતા. ગઇકાલે પોતે ઘરે હતા, ત્યારે પતિ મહેબુબ, સસરા મોહંમદ તથા દીયર નિઝામ અને દેરાણી આશિયાનાએ ઝઘડો કરી ધોકા તથા પાઇપ વડે માર મારતા પોતે દોડીને રૂમમાં પૂરાઇ ગયા હતા, બાદ પોતે તેના ભાઇ દલ ઉસ્માનઅલી મોહંમદભાઇને જાણ કરતા તેણે મોરબી ૧૮૧ મહિલા હેલ્પલાઇન તથા મોરબી પોલીસ કન્ટ્રોલને જાણ કરી હતી. જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી નસીમબેનને મુકત કરાવતા તેને સારવાર માટે રાજકોટ સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા તથા રાજદીપસિંહે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત નસીમબેનના ભાઇ ઉસ્માનઅલી મોહંમદભાઇએ જણાવ્યું હતું કે, મહેબુબના ત્રીજા લગ્ન છે તે દલડી ગામ પાસે પેટ્રોલ પંપ ધરાવે છે. આ લોકોના ત્રાસ બાબતે અગાઉ પણ મોરબી પોલીસમાં અરજી કરી હતી. ગઇકાલે નસીમબેને પતિ, સાસરીયાઓ માર મારતા હોઇ અને મારી નાખવાની ધમકી આપતા હોવાનો નસીમબેનનો ફોન આવતા પોતે પરિવાર સાથે દલડી ગામે દોડી જઇ નસીમબેનને લઇ રાજકોટ આવી તેને સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે

(11:56 am IST)